મેલબોર્ન,તા. ૧૮
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં હવે નવો ઇતિહાસ રચાઇ ગયો છે. યુક્રેનની ૧૫ વર્ષીય માર્ટા કોસ્તયુક ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં જુનિયર સિગલ્સનો તાજ જીતી જવામાં સફળ રહી હતી. આ વખતે તે પ્રથમ વખત સિનિયર લેવલ પર રમી રહી છે. તે સિનિયર લેવલમાં પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચીને ઇતિહાસ સર્જયો છે. પ્રથમ રાઉન્ડમાં ચીનની શુઆઇ પેંગ પર ૬-૨, ૬-૨થી જીત મેળવી હતી. શુઆઉ ૨૭મી ક્રમાકિંત ખેલાડી છે. દુનિયાની ૫૨૧માં નમ્બરની ખેલાડીએ બુધવારના દિવસે વધુ એક અપસેટ સર્જયો હતો. એ વખતે માર્ટાએ યજમાન દેશની ખેલાડી ઓલિવિયા રોગોવસ્કા પર જીત મેળવી હતી. પોતાનાથી ૧૧ વર્ષ મોટી સ્ટાર ઓલિવિયાને સીધા સેટોમાં ૬-૩ અને ૭-૫થી હાર આપી હતી. વર્ષ ૧૯૯૭ બાદ પ્રથમ ળકત એવુ બન્યુ છે જ્યારે કોઇ ગ્રાન્ડ સ્લેમમાં ત્રીજા રાઉન્ડમાં ૧૫ વર્ષીય અથવા તો તેનાથી ઓછી વયની ખેલાડી પહોંચી છે. માર્ટાએ રોગોવસ્કાને હાર આપીને ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજન સ્થળ મેલબોર્ન પાર્કમાં સતત ૧૧મી જીત મેળવી હતી. જીતનો સિલસિલો ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર્સ સાથે શરૂ થયો હતો. એ વખતે તે સફર દરમિયાન સતત છ મેચો જીતી ગઇ હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાલિફાઇંગ રાઉન્ડના ત્રણ મુખ્ય ડ્રોના હજુ સુધી કુલ ચાર મેચો જીતી ચુક્ી છે. ક્રોએશિયાની મિર્યાની લુસિચ બાદ માર્ટા કોઇ ગ્રાન્ડ સ્લેમમાં ત્રીજા રાઉન્ડમાં પહોંચનાર સૌથી નાની વયની ખેલાડી બની ગઇ છે.

પેસ અને બોપન્ના સહિત ભારતીયો પણ જીત્યા

મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતના અનુભવી ખેલાડી લીઅન્ડર પેસ અને પુરવ રાજાએ સરળ જીત મેળવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુનાર્મેન્ટમાં બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી લીધી છે. આ ઉપરાંત રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડી પણ આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ છે. પેસ અને પુરવની જોડીએ પ્રથમ રાઉન્ડમાં ૬-૨, ૬-૩થી જીત મેળવી છે. હવે પેસ અને રાજાની જોડી જેમી મરે અને બ્રુનો સોરેસની જોડી સામે ટકરાશે જે પડકારરુપ રહેશે.