(એજન્સી) તા.૧૩
ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટર ઉસ્માન ખ્વાજા અંતે લગ્નના સંબંધોમાં બંધાવા જઇ રહ્યાં છે અને તેમણે પોતાની કેથોલિક પાર્ટનર રશેલ મેકલેલાન સાથે લગ્ન કરી લીધા છે. શુક્રવારે સનસાઇન કોસ્ટ ખાતે આયોજિત સમારોહના અંતે તેમણે પોતાની પત્ની રશેલના ઇસ્લામ ધર્મના અંગીકાર કરવાના નિર્ણયની પણ જાહેરાત કરી હતી. તદઉપરાંત બંનેએ નિકાહ પણ પઢી લીધા હતા. પાકિસ્તાની મૂળના ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ જણાવ્યુંં કે જો રશેલે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવાનો નિર્ણય ન કર્યો હોત તો કદાચ તો પણ તેમણે રશેલ સાથેના સંબંધોનો અંત ન લાવ્યો હોત. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં એકમાત્ર મુસ્લિમ ખેલાડી ઉસ્માને કહ્યું કે મને આશા હતી કે તે ઇસ્લામ ધર્મને સ્વીકારી લેશે. પરંતુ મેં નક્કી કર્યુ હતુંં કે હું તેને ક્યારેય ધર્મ બાબતે નડતરરુપ નથી બનવાનો. ર૦૧૬માં ન્યૂયોર્ક ખાતે રશેલ અને ૩૧ વર્ષીય ઉસ્માન ખ્વાજાએ રોમેન્ટિક હોલિડે દરમિયાન એન્ગેજમેન્ટ કરી હતી. ગત મહિને રર વર્ષીય રશેલે જાહેરાત કરી દીધી હતી કે તે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરશે. રશેલે કહ્યું હતુંં કે જે વ્યક્તિને તે પ્રેમ કરે છે તેના માટે તે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવા જઇ રહી છે. રશેલે એક ૬૦ મિનિટના કાર્યક્રમ દરમિયાન કહ્યું હતુંં કે ઉસ્માન દ્વારા મારા પર કોઇ દબાણ કરવામાં આવ્યું નહોતું. મને ધર્મનો સ્વીકારવા પણ કોઇ દબાણ કરાયું નથી. મેં મારી જાતે જ આ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉસ્માને પણ ખુલાસો કર્યો હતો કે મેં પણ ક્યારેય રશેલેને આ મામલે દબાણ કર્યું નથી. રશેલે કહ્યું કે હું ઇસ્લામ અંગે ખરાબ વિચારતી હતી અને ઇસ્લામ અંગે મારા મનમાં એક અલગ જ ધારણા હતી. રશેલે કહ્યું કે ઉસ્માન પહેલી મુસ્લિમ વ્યક્તિ છે જેની મારી સાથે મુલાકાત થઈ. હું તેમની અવગણના કરતી હતી. આતંકીઓ વિશે સાંભળતી તો ડર લાગી જતો. પરંતુ ઉસ્માન ખ્વાજાએ મારું મન બદલી નાખ્યું અને મેં આ નિર્ણય કરી લીધો છે.