મેલબોર્નમાં રોહિત, ગિલ, સૈની અને પંત લંચ માટે નીકળ્યા, ફેને ચૂકવી દીધું તેમનું બિલ…!!

સિડની, તા.ર
ભારતીય ક્રિકેટ બોર્ડએ ભારતીય ખેલાડીઓ દ્વારા બાયો-સિક્યુરિટી પ્રોટોકોલ તોડવાની તપાસ શરૂ કરી છે. નવા વર્ષ નિમિત્તે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્મા, ઋષભ પંત, શુભમન ગિલ, પૃથ્વી શો અને નવદીપ સૈનીએ મેલબોર્ન રેસ્ટોરન્ટમાં લંચ લેતા જોવા મળ્યા હતા. તે સંભવ છે કે બાયો-સિક્યુરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. લંચ લેતા ભારતીય ખેલાડીઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ પાંચેય ભારતીય ક્રિકેટરોને આઈશોલેટ કરાયા છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં બંને દેશો વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ ઓસ્ટ્રેલિયા જાય છે, ત્યાં તેને જબરજસ્ત સપોર્ટ મળે છે. સિડનીથી લઈને મેલબોર્ન સુધી, ઓસ્ટ્રેલિયામાં રહેનારા ભારતીય મૂળના લોકો સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ આપવા પહોંચી જાય છે. એવામાં જો કોઈ ફેનને ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટર પોતાની સામે કોઈ હોટલમાં દેખાઈ જાય તો? સ્પષ્ટ છે કે તે તેમની સાથે ફોટો ક્લિક કરાવવા ઈચ્છશે. પરંતુ એક ભારતીય ફેને કંઈક એવું કર્યું, જેનાથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તો ચોંક્યા સાથે જ તેણે લોકોનું દિલ પણ જીતી લીધું.
નવલદીપ સિંહ નામના એક ટિ્‌વટર યુઝરે શુક્રવારે ૧લી જાન્યુઆરીએ પોતાના એકાઉન્ટથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે એક હોટલમાં બેઠો હતો અને તેની સામેના ટેબલ પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રોહિત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત, નવદીપ સૈની અને પૃથ્વી શો હતો. પોતાની સામે ભારતીય ખેલાડીઓને બેઠેલા જોઈને નવલદીપ સિંહ ખૂબ જ ખુશ હતો, તેણે તેમનો વીડિયો બનાવીને અપલોડ કર્યો.
થોડી જ વારમાં તેણે વધુ એક ટ્‌વીટ કર્યું, જેને ટિ્‌વટર યુઝર્સને હેરાન કરી દીધા અને તેની પ્રશંસા થવા લાગી. હકીકતમાં નવલદીપ સિંહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કરવા માટે તેમના ફૂડનું ૧૧૮.૬૯ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે લગભગ ૬૬૮૩ રૂપિયાનું બિલ ચૂકવી દીધું. તેણે બિલનો ફોટો પણ ટ્‌વીટ કર્યો. આ સાથે જ કેપ્શનમાં લખ્યું હતું, તેમને નથી ખબર, પરંતુ મેં તેમના ટેબલનું બિલ ચૂકવી દીધુ છે. પોતાના સુપરસ્ટાર માટે ઓછામાં ઓછું આટલું તો હું કરી જ શકું છું.