ગૌહાટી,તા.૯
સતત જીત સાથે આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી બીજી ટ્‌વેન્ટી-ર૦ મેચ દ્વારા શ્રેણી પોતાના નામે કરવાના ઈરાદા સાથે ઉતરશે. એસીએ બારસાપારા સ્ટેડિયમમાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સિરીઝ એકતરફી રહી છે. વન-ડે સિરીઝ ભારત ૪-૧થી જીત્યું. રાંચીમાં પ્રથમ ટ્‌વેન્ટી-ર૦ મેચ ભારત નવ વિકેટે જીત્યું. ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૧૪ ટ્‌વેન્ટી-ર૦ મેચોમાંથી ૧૦ જીતી છે. જેમાંની સાત સતત જીતી છે. ભારત ર૮ સપ્ટેમ્બર ર૦૧ર બાદથી ઓસ્ટ્રેલિયા સામે એકપણ ટ્‌વેન્ટી-ર૦ મેચ હાર્યું નથી. ઓસી બેટસમેન ભારતીય સ્પિનરો કુલદીપ યાદવ અને ચહલનો સામનો કરી શક્યા નથી. જેમણે ચાર વન-ડે અને એક ટ્‌વેન્ટી-ર૦ મેચમાં ૧૬ વિકેટ ઝડપી છે. બંનેએ ભારતીય ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આશ્ચર્યની વાત એ છે કે ઓસી ખેલાડીઓ આઈપીએલમાં રમે છે. અહીંની પરિસ્થિતિથી વાકેફ છે તેમ છતાં નિષ્ફળ જઈ રહ્યા છે.