ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા ૬ વર્ષથી બોક્સિંગ-ડે ટેસ્ટ નથી હારી
ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ્સમાં ૨૦૦ રનમાં ઓલઆઉટ : સિરાજે ૩, બુમરાહ-અશ્વિન-જાડેજાએ બે-બે વિકેટ ઝડપી, ૭૦ રનના ટાર્ગેટને ભારતે બે વિકેટ ગુમાવી મેળવ્યો : પ્લેયર ઓફ ધ મેચ રહાણેને મળ્યો મુલાગ મેડલ
મેલબર્ન,તા.૨૯
ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ૮ વિકેટે હરાવ્યું હતું. અજિંક્ય રહાણે બ્રિગેડે વિરાટ કોહલીની આગેવાનીમાં મળેલી પ્રથમ ટેસ્ટની હારનો બદલો મેલબોર્નમાં લઈ લીધો છે. અહીં ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે વિરોધી ટીમ ઑસ્ટ્રેલિયાના ૮ વિકેટે હરાવ્યું છે. જીતવા માટે મળેલા ૭૦ રના લક્ષ્યાંકને ભારતીય ટીમે ૨ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો. આ સાથે જ ૪ મેચોની સિરીઝ ૧-૧થી બરાબર થઈ ગઈ છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ ૭ જાન્યુઆરીથી રમાશે. ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે. એની સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રહાણેને મુલાગ મેડલથી સન્માનિત કર્યો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટએ ટેસ્ટ પહેલાં જ પ્લેયર ઓફ ધ મેચને મુલાગ મેડલ આપવાની જાહેરાત કરી હતી. અગાઉ એડિલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હરાવી હતી. જો કે કોહલીને ગેરહાજરીમાં અજિંક્ય રહાણેને ટીમની કેપ્ટનશીપ મળી. જેણે ઓસ્ટ્રેલિયન ટીમને હરાવીને પ્રથમ મેચનો બદલો લઈ લીધો હતો.
એડિલેટ ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ ૩૬ રન પર ઓલઆઉટ કરીને ૮ વિકેટે મેચ જીતી હતી. જો કે મેલબર્નમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરતા એસ્ટ્રોલિયન ટીમને તેમના હોમ ગ્રાઉન્ડ પર જ પછાડી દીધી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જીત સુધી પહોચવા માટે ભારતીય ટીમે ૨ વિકેટ ગુમાવવી પડી હતી. ૧૬ રનના સ્કોર પર મયંક અગ્રવાલ (૫)ને મિશેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. ચેતેશ્વર પૂજારા (૩) પણ ૧૯ રનના સ્કોર પર પેટ કમિન્સે પોતાનો શિકાર બનાવ્યો હતો. તે બાદ કેપ્ટન અજિંક્ય રહાણે (અણનમ ૨૭ રન) અને શુભમન ગિલ (અણનમ ૩૫ રન) ટીમને મેચ જીતાડી હતી. જોકે, આ દરમિયાન રહાણેનો લોન્ગ ઓન પર કેચ છૂટી ગયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા (૧૯૪૭-૨૦૨૦) વચ્ચે આ ૧૦૦મી ટેસ્ટ મેચ હતી અને ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતને આ યાદગાર જીત મળી છે. ઓસ્ટ્રેલિયા પર ભારતની આ ૨૯મી જીત છે, જોકે, આ પહેલા સુધી તેને ૪૩ મેચમાં હાર મળી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે રમત પૂર્ણ થવા સુધી ૬ વિકેટે ૧૩૩ રન બનાવ્યા હતા અને તે ભારતથી માત્ર ૨ રન આગળ હતું. ચોથા દિવસની સવારે કંગારૂ ટીમે પુછડીયા બેટ્સમેનોની મદદથી ૬૭ રન જોડ્યા હતા. લંચના સમયે ઓસ્ટ્રેલિયા ૨૦૦ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતને જીતવા માટે ૭૦ રનનો પડકાર મળ્યો હતો જે તેને આસાનીથી મેળવી લીધો હતો. બીજી ઇનિંગ્સમાં બુમરાહે-૨,ઉમેશ યાદવે-૧, સિરાઝે-૩ તો અશ્વિન-જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. ભારતે કેપ્ટન અજિંક્ય રહાણે (૧૧૨ રન) સદી અને રવિન્દ્ર જાડેજા (૫૭)ની અડધી સદીની મદદથી પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૬ રન બનાવી ૧૩૧ રનની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૧૯૫ રન બનાવ્યા હતા.
Recent Comments