(એજન્સી) ઔરંગાબાદ, તા.૬
કોરોના વાયરસ પ્રકોપની વચ્ચે મહારાષ્ટ્રના ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના રેજિડેન્ટ ડૉક્ટરોએ પ્રદર્શન કરી પોતાની સુરક્ષા માટે ખાનગી સુરક્ષાત્મક ઉપકરણ (પીપીઈ) અને એન-૯પ સર્જિકલ માસ્ક ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. જીએમસીએચના બે દર્દીઓ અને એક સ્ટાફમાં કોરોના વાયરસ પીડિત હોવાનું સમર્થન થયું છે. રેજિડેન્ટ ડૉક્ટરોએ જીએમસીએચ ડીનના કાર્યાલયની બહાર રવિવારે પ્રદર્શન કર્યા અને જણાવ્યું કે, પીપીઈ અને એન-૯પ માસ્ક ઈમરજન્સી સેવાઓમાં તૈનાત ડૉક્ટરો માટે જરૂરી છે. તેમણે ડીનને એક જ્ઞાપન સોંપ્યું અને જણાવ્યું કે જો તેમને સુરક્ષાના ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો તે પોતાની હોસ્ટેલમાં ક્વોરન્ટાઈનમાં રહેશે. મહારાષ્ટ્ર રેજિડેન્ટ સંઘના ઔરંગાબાદ એકમના અધ્યક્ષ આમીર તડવીએ જણાવ્યું કે, કેટલાક દર્દીઓમાં કોરોના વાયરસનું સમર્થન થયા છતાં ઈમરજન્સી વોર્ડમાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોને આ સુરક્ષાત્મક ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. તેમણે જણાવ્યું કે, આ ડૉક્ટર દરરોજ પ૦થી ૧૦૦ દર્દી જુએ છે. સુરક્ષાત્મક ઉપકરણ વિના દર્દીઓની સારવાર કરવી જોખમકારક છે. એમઆરડી ઉપાધ્યક્ષ ડૉ.સંદીપ ચૌહાણે જણાવ્યું કે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના દિશા-નિર્દેશો મુજબ પોતાની માંગ રાખી છે. અમને આશા છે કે, કોઈ પણ અડચણ વિના અમને આ ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે કામ બંધ કર્યું નથી. અમે માત્ર પોતાની સુરક્ષા માટે માસ્ક અને પીપીઈની માંગ કરી છે. તડવીએ જણાવ્યું કે, પ્રદર્શન પછી ઈમરજન્સી વોર્ડના ડૉક્ટરોને રવિવારે પીપીઈ અને એન-૯પ માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. એમએઆરડી અધિકારીઓની સાથે એક બેઠક પછી જીએમસીએચના ડીન ડૉ.કઝાન યેલિકરે એક વિજ્ઞપ્તિ જારી કરી જણાવ્યું કે, માસ્ક અને પીપીઈ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.