(એજન્સી) મુંબઈ, તા.૮
શુક્રવારે સવારે બનેલી એક ગમખવાર દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ચાલતા ચાલતા થાકીને ટ્રેક પર સૂઈ ગયેલા ર૦ પરપ્રાંતિય મજૂરોના એક જૂથ પૈકી ૧૬ મજદૂરો પર માલગાડી ફરી વળતા તમામના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા એમ રેલવે વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ શ્રમિકોએ ભલનાથી ભૂસાવલની રાહ પકડી હતી. આ કરૂણ અકસ્માતમાં બચી ગયેલા ચાર શ્રમિકો આઘાતમાં છે. જેમનું પોલીસ કાઉન્સિલિંગ કરી રહી છે. એમ વરિષ્ઠ પોલીસ અધિકારી મોકસાદા પાટિલે જણાવ્યું હતું. જ્યારે ઈજાઓ સાથે પાંચમી બચી ગયેલી વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. પાટિલે જણાવ્યું હતું કે, અમે વધુ માહિતી એકત્ર કરતાં પહેલાં બચી ગયેલા શ્રમિકોને આઘાતમાંથી બહાર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, આ પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. લોકડાઉનના કારણે ટ્રેનો ચાલી નહીં રહી હોવાની વાતથી વાકેફ આ મજૂરો ચાલીને થાકી ગયા હોવાથી ટ્રેક પર સૂઈ ગયા હતા. મુંબઈથી લગભગ ૩૬૦ કિ.મી.ના અંતરે આજે વહેલી સવારે પઃ૧પ વાગ્યે ટ્રેન મજદૂરો પર ફરી વળી હતી. દુર્ઘટના બાદ ટ્રેક પર શ્રમિકોનો સામાન, ચંપલો અને અન્ય અંગત વસ્તુઓ, પથરાયેલી જોવા મળી હતી. એટલું જ નહીં આ મજદૂરો જમવા માટે પોતાની સાથે રોટલીઓ પણ લઈને નીકળ્યા હતા. જે પણ પાટા પર વેર-વિખેર પડી હતી. સદનસીબે આ જૂથમાં એક પણ બાળક ન હતું. રેલવે મંત્રાલયે ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, ચાલકે ટ્રેન અટકાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા પણ ટ્રેન અટકી ન હતી. પરિભણિ-મનમાદ સેકશન ખાતે બદનાપુર અને કરમદ સ્ટેશન વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને ઔરંગાબાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, શક્ય તમામ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોદીએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ મામલે મોદીએ રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે વાત કરી હતી. તેઓ સ્થિતિ સાથે વાત કરી હતી. તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકના પરિવારજનો માટે રૂા.પાંચ લાખની સહાયની જાહેરાત કરી હતી. સિંહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે.

ઔરંગાબાદમાં ટ્રેન નીચે કપાયેલા ૧૬ શ્રમિકોના બચી ગયેલા સાથીઓએ કહ્યું : બચાવવા માટેની અમારી ચીસો વ્યર્થ ગઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૮
ઔરંગાબાદમાં ટ્રેન નીચે કપાયેલા ૧૬ પરપ્રાંતિય મજદૂરોના સાથી અને આ ગમખ્વાર દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકોએ જણાવ્યું હતું કે, તેમણે પાડેલી ચીંસો વ્યર્થ ગઈ. આ ઘટના શુક્રવારે બનીહતી. આ શ્રમિકો મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશના પોતાના વતન જઈ રહ્યા હતા. તેઓ રેલવે ટ્રેકના સહારે ચાલતા પોતાના ગંતવ્ય સ્થળ સુધી જઈ રહ્યા હતા. આ મજદૂરો આરામ કરવા ટ્રેક પર જ સૂઈ ગયા હતા. આ કમનસીબ ઘટનામાં ૧૬ પરપ્રાંતિય મજૂરોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે એક શ્રમિકને ઈજા પહોંચી હતી. સદનસીબે એક મજૂરનો બચાવ થયો હતો. આ તમામ મજદૂરો જાલનામાં સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા. આ જિલ્લો મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત છે. કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ લોકડાઉન વચ્ચે આ શ્રમિકો પગપાળા પોતાના વતન તરફ જઈ રહ્યા હતા એમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસ સુપ્રિટેન્ડેન્ટ પાટિલે જણાવ્યું હતું કે, જાલનામાં ફસાયેલા ર૦ શ્રમિકોએ પોતાના વતનની પગપાળા રાહ પકડી હતી. આ શ્રમિકોએ આરામ કરવાનું નક્કી કર્યું હતું અને તેઓ ટ્રેક પર સૂઈ ગયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોએ ટ્રેકથી અલગ જગ્યાએ આરામ કરવાનું નક્કી કર્યું હતું. થોડાક સમય બાદ આ ત્રણ જણે જોયું કે, એક માલગાડી ટ્રેક પર આવી રહી છે. તેમણે તાત્કાલિક બૂમો પાડી ટ્રેક પર ઉંઘી રહેલા લોકોને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો.

ઔરંગાબાદ ટ્રેન દુર્ઘટનાનું દુઃખ એટલું છે કે મારી પાસે શબ્દો નથી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

(એજન્સી) નવી દિલ્હી, તા.૮
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે માલગાડી નીચે કપાઈ જવાથી ૧૬ પ્રવાસી મજદૂરોના થયેલા મોતથી તેમને એટલું દુઃખ થયું છે કે, તેમની પાસે શબ્દો નથી. આ મજદૂરો ટ્રેક પર ચાલીને પોતાના વતન મધ્યપ્રદેશ જઈ રહ્યા નથી. થાકી જવાથી તેઓ પાટા પર જ સૂઈ ગયા હતા. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, પીડિત કુટુંબો પ્રત્યે મારી સાંત્વના છે. તેમજ ઈજાગ્રસ્તો વહેલા સાજા થાય તેવી પ્રાર્થના છે. દેશના રાષ્ટ્રપતિ કોવિંદે ટ્‌વીટ કરી પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનો બચાવ થયો હતો. ઔરંગાબાદથી ૩૦ કિ.મી.ના અંતરે કરમદ ખાતે આજે વહેલી સવારે પઃ૧પ વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી.