(એજન્સી)
ઔરંગાબાદ, તા.૧૯
જ્યારે આયોજકો ઔરંગાબાદ નજીક જલગાંવમાં તબલિગી જમાતના ઈજતેમાના આયોજન માટે છેલ્લા બે મહિનાથી રાત-દિવસ એક કરી મહેનત કરી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસે આ ઈજતેમા માટે જરૂરી પરવાનગી આપવાની મનાઈ કરી દીધી છે. આ ઉપરાંત પોલીસે આયોજકો પાસેથી આ ઈજતેમાના ભંડોળ વિશેની પણ વિગતો માંગી છે. ઔરંગાબાદ નજીક જલગાંવમાં ર૪થી ર૬ ફેબ્રુઆરી દરમિયાન ઈજતેમાનું આયોજન કરવાની તબલિગી જમાતની યોજના હતી. આયોજકોનો દાવો છે. આ ત્રણ દિવસીય ઈજતેમામાં મહારાષ્ટ્રના શહેરો અને ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં મુસ્લિમો ભાગ લેશે. પોલીસનું કહેવું છે કે, આટલા મોટા સ્તરે ભેગા કરવા માટે આયોજકોએ અમારી પાસેથી જરૂરી પરવાનગી લીધી નથી. આથી વલુજ પોલીસે ગામના સરપંચ સૈયદ અનીસ આમીર પટેલને પત્ર લખીને જણાવ્યું હતું કે આ ઈજતેમા માટે પરવાનગી આપવામાં આવશે નહીં. પોલીસ ઈન્સ્પેકટર સતીષકુમારના હસ્તાક્ષરવાળા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આયોજકો દ્વારા ત્રણ મહિના પહેલાં ઈજતેમા માટે પરવાનગી લેવાની જરૂર હતી. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ઈજતેમામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે આથી પોલીસ અને બીજા વિભાગોની આગોતરી પરવાનગી લેવી જરૂરી છે કે જેથી ટ્રાફિક માટે યોગ્ય આયોજન કરી શકાય અને અન્ય તૈયારીઓ પણ કરી શકાય. આ ઉપરાંત આ પત્રમાં ઈન્સ્પેકટર સતીષકુમારે આ ઈજતેમાના આયોજનમાં થતાં ખર્ચ માટેના ભંડોળની વિગતો પણ આપવા જણાવ્યું હતું. આ પહેલાં અહીંની સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ઔરંગાબાદ ઈજતેમાના આયોજકો લગભગ ૧૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાના છે.