(એજન્સી)                                          મુંબઇ, તા. ૯

બોમ્બે હાઇકોર્ટે બુધવારે બીએમસી દ્વારા અભિનેત્રી કંગના રાણાવતની ઓફિસને તોડવા સામે રોક લગાવી છે. કંગનાએ આ અંગે અરજી કરી હતી જે બાદ હાઇકોર્ટે અરજી પર બીએમસી પાસે જવાબ માગ્યો છે. આ  અંગે ગુરૂવારે ફરીથી સુનાવણી હાથ ધરાશે. આ પહેલા બીએમસીએ નોટિસ લગાવીને કંગનાની ઓફિસ મણિકર્ણિકામાં ગેરકાયદે નિર્માણની વાત કરતા તેને તોડવાની કાર્યવાહી આગળ ધપાવી હતી. જ્યારે પોતાની ઓફિસને તોડવાના ફોટા ટિ્‌વટ કરીને કંગનાએ વિવાદાસ્પદ ટિ્‌વટમાં કહ્યું કે, હું ખોટી ન હતી અને દુશ્મનોએ વારંવાર તેને સાબિત કર્યું છે કે મારી મુંબઇ કેમ પીઓકે છે. બીજા ટિ્‌વટમાં તેણે કહ્યું કે, મારા ઘરમાં કોઇ ગેરકાયદે નિર્માણ નથી. સરકારે પણ ૩૦મી સપ્ટેમ્બર સુધી કોવિડમાં કોઇપણ તોડફોડ પર પ્રતિબંધ લગાવ્યો છે. બોલિવૂડ હવે આ ફાસીવાદને પણ જૂએ. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું કે, અમે તાત્કાલિક સુનાવણીનો અનુરોધ કરતા સવારે અરજી દાખલ કરી હતી. અમે નિર્માણ તોડવાની પ્રક્રિયા પર વચગાળાની રાહત તરીકે રોક લગાવવાનો અનુરોધ કર્યો છે. જોકે, શિવસેના શાસિત બીએમસીએ બુધવારે અભિનેત્રી કંગના રાણાવતના બાંદ્રા સ્થિત બંગલામાં ગેરકાયદે નિર્માણ તોડી પાડ્યું હતું. એક અધિકારીએ કહ્યું કે, ગેરકાયદે નિર્માણને તોડવાનું કામ સવારે ૧૧ વાગે ચાલુ કરાયું છે. આ પહેલા બીએમસીએ બંગલાની બહાર કાર્યવાહીની જાણ કરતી નોટિસ ચોંટાડી હતી. બીએમસીએ બુલ્ડોઝર અને જેસીબી દ્વારા ઇમારતમાં કરાયેલા ફેરફારના માળખાને ધ્વસ્ત કરી દીધું હતું. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે પણ કહ્યું હતું કે, પોલીસ કંગના રાણાવત સામે એવા આરોપોની તપાસ પણ કરશે જેમાં તેણે માદક પદાર્થ લેવાનો ખુલાસો થયો છે.