મુંબઇમાં કંગના રાણાવત ઓફિસના ગેરકાયદે બાંધકામને તોડવાની બીએમસી દ્વારા કામગીરી
હાથ ધરાઇ ત્યારે કંગના હિમાચલથી મુંબઇ આવી રહી હતી તે સમયે મીડિયાકર્મીઓ દ્વારા કંગનાના સારા કવરેજ માટે વિમાની કંપની તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઘોર ઉલ્લંઘન કરાયું હતું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
ચંદીગઢથી મુંંબઇ માટેની કંગના રાનૌતની ફ્લાઇટમાં બુધવારે મીડિયાકર્મીઓએ જે રીતે ઉહાપોહ મચાવ્યો હતો તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા જે બાબત હવે તપાસના દાયરામાં આવી છે અને સોશિયલ મીડિયા પર મીડિયાની અરાજકતના વીડિયો ઝડપથી ફેલાઇ રહ્યા છે. સિવિલ એવિએશનના ડાયરેક્ટર જનરલ(ડીજીસીએ)એ ફ્લાઇટ ૬ઇ-૨૬૪માં મીડિયા કર્મીઓ દ્વારા સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ મુદ્દે ઇન્ડિગો પાસેથી રિપોર્ટ માગ્યો છે. સૂત્રો અનુસાર વિમાની નિયામકે આ નિર્ણય સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઇ રહેલા વીડિયોને કારણે લીધો છે. જોકે, વિમાની કંપનીએ જણાવ્યુ છે કે, તેણે આ અંગે જવાબ રજૂ કરી દીધો છે. સોશિયલ મીડિયા પર આવી રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના સાથે ભારે વિવાદ વચ્ચે મુંબઇ પરત ફરી રહેલી અભિનેત્રી કંગના રનૌતનો પીછો કરતા વિમાનની મધ્ય સુધી આવી ગયા હોવાના સમાચાર પોતાની ચેનલમાં પ્રસારિત કરવા માટ વિવિધ મીડિયાના રિપોર્ટરો માઇક અને મોબાઇલ ફોન લઇને રિપોર્ટિંગ કરી રહ્યા હતા. પોતાના કેમેરામાં કંગનાને સારી રીતે લેવા માટે મીડિયા કર્મીઓ એ ભાન પણ ભૂલી ગયા હતા કે, તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા નથી. આ દરમિયાન તેઓએ ચહેરા પર માસ્ક પણ બાંધ્યા ન હતા. કંગના જ્યારે મુંબઇ પરત ફરી રહી હતી ત્યારે બીએમસી દ્વારા તેની ઓફિસનું તોડફોડનું કામ ચાલી રહ્યું હતું અને તે સમયે મીડિયા દ્વારા ઉહાપોહ મચાવાયો હતો. ભારતની મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગોએ કહ્યું કે, તેનો પોતાનો સ્ટાફ ફ્લાઇટમાં નિયમોનું પાલન કરી રહ્યો હતો. અમે ફોટોગ્રાફી પર પ્રતિબંધ હોવાની જાહેરાત પણ કરી હતી. સાથે સોશિયલ ડિસ્ટન્સ અને તમામની સુરક્ષા માટે પણ કહ્યું હતું. જાન્યુઆરીમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા ટીવી એન્કર અર્નબ ગોસ્વામીની ટીકા કરાતા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી હતી અને કુણાલ કામરા વિરૂદ્ધ પગલાં લેવાની તાકીદ કરી હતી. ત્યારબાદ ઇન્ડિગોમાંથી કામરાને પ્રવાસ કરવાની મંજૂરી અપાઇ નથી.