સુરેન્દ્રનગર, તા. ર૧
મૂળી તાલુકાના સરા ગામે ફિલ્ટર પ્લાન્ટમાં ખરાબી સર્જાતા રિપેર કરવાના બદલે પંચાયત દ્વારા બંધ કરી દેવામા આવેલ એક વર્ષનો સમયગાળો વિતી ગયા બાદ આજદિન ગ્રા.પં. દ્વારા ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવાનુ કોઇ આયોજન કરવામા નહી આવતા હાલ ફિલ્ટર પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યો છે પરિણામે ગ્રામજનોને અશુધ્ધ પાણી ગટગટાવુ પડે છે !
સરા ગામે કનેરા વિસ્તારમાં આવેલ બોરના પાણીમા ક્ષારની માત્રા વધારે પ્રમાણમાં હોય પાણી પીવાલાયક નથી પીવાના પાણી માટે નર્મદાના પાણી પર આધાર રાખવો પડે તેમ છે હાલ ગ્રા.પં દ્વારા નર્મદાના પાણી સાથે કનેરાનું ક્ષારયુકત પાણી મિક્ષ કરીને વિતરણ કરવામા આવે છે જે ખરેખર પીવાલાયક નથી લોકોને અશુધ્ધ પાણી પીવામા લેવુ પડે તેવો ઘાટ સર્જાયો છે અશુધ્ધ પાણી પીવાના કારણે લોકોને પેટના દુખાવા, પથરી જેવા રોગ થવાની શકયતા છે. ગ્રા.પં. દ્વારા ફિલ્ટર પ્લાન્ટથી માત્ર પાંચ રુપિયામાં એક બેડુ પાણી આપવામા આવતુ હતુું જેથી મોટાભાગના લોકોને પરવડતુ હતુ પરંતુ ફિલ્ટર પ્લાન મશીન ખરાબ થતા ગત પંચાયત દ્વાારા રિપેર કરવાના બદલે ઓરડીએ અલીગઢીયા તાળા લગાવી દિધેલ જે આજ દિન સુધી ખુલેલ નથી લોકોને પીવાના પાણી માટે હાલ ખાનગી ફિલ્ટર પ્લાન્ટવાળા પાસેથી વીસ લીટર પાણીના પંદર રુપિયા ચુકવવા પડે છે ઉનાળામાં પીવાના પાણીનું વપરાશ વધતા અસહ્ય મોઘવારીમાં દરરોજ બે બોટલના ત્રીસ રુપિયા ચુકવવા પડતા સામાન્ય લોકો નું બજેટ ખોરવાય છે ગ્રા.પં દ્વારા તાત્કાલિક ફિલ્ટર પ્લાન્ટ મશીન રિપેર કરી ફિલ્ટર પ્લાન્ટ પુનઃ ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.