(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
શહેરના અઠવાલાઈન્સ ખાતે લાલ બંગલા નજીક આવેલ ટાઈટન કંપનીના શો રૂમમાં રાત્રિ દરમ્યાન સાતથી આઠ તસ્કરોએ હાથફેરો કરી લાખો રૂપિયાની કિંમતની મોંઘીદાટ ઘડીયાળોની ચોરી કરી ગયા હતા. પોશ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીનો આખો શો રૂમ્સ તસ્કરો સાફ કરી જતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાર્લેપોઈન્ટ સ્થિત લાલ બંગલા નજીક અંજન શલાખા બિલ્ડિંગમાં ટાઈટન કંપનીનો શો રૂમ આવેલો છે. જ્યાં ગુરૂવારની રાત્રિ દરમિયાન સાતથી આઠ ચોર શખ્સોએ ટાઈટનના શો રૂમને ટાર્ગેટ બનાવ્યો હતો. ચોર શખ્સો રાત્રિ દરમ્યાન શો રૂમના મેઈન શટર તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાં રહેલી મોંઘીદાટ ઘડિયાળોની ચોરી કરી ગયા હતા. ચોર શખ્સો લાખો રૂપિયાની કિંમતની ઘડિયાળોની ચોરી કરી ગયા હતા. આજે સવારે શો રૂમના માલિકને જાણ થતા તેઓએ ઉમરા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઈન્સ્પેક્ટર ભરવાડ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ટાઈટનના શો રૂમ પહોચી ગયો હતો અને ચોરીની ઘટનાનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યં હતું. પી.આઈ. ભરવાડે આ ઉપરાંત ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ અને એફએસએલની મદદ લીધી હતી. આ સિવાય પી.આઈ. ભરવાડે કંપનીના કર્મચારીઓની પણ ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. તસ્કરો અંદાજે ૩૦ થી ૪૦ લાખની કિંમતની મોંઘીદાટ ઘડિયાળોની ચોરી કરી જતા ઉમરા પોલીસે હાલ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.