અમદાવાદ,તા.૧૦
શહેરના નવા વાડજ વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે કચરામાંથી વીણેલી બ્રાન્ડેડ બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે નવા વાડજની આનંદનગર સોસાયટી પાછળ જવાહરનગરના છાપરામાં આ ફેંકી દેવાયેલી બોટલ વીણી તેમાં સસ્તો દારૂ અને એસેન્સ નાંખી ગ્રાહકોને વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ કરતાં દારૂડિયા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી અને ઘટનાસ્થળેથી મોંઘી બ્રાન્ડની વ્હીસ્કીની ખાલી બોટલોનો જથ્થો, લેબલ, સીલ સહિતની સામગ્રી જપ્ત કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નવા વાડજ પોલીસે સ્ટાફના માણસોને મળેલી ચોકક્સ બાતમીના આધારે આનંદનગર સોસાયટી પાછળ જવાહરનગરના છાપરામાં કાચા મકાનમાં અચાનક દરોડા પાડયા હતા અને ત્યાંથી કચરામાંથી વીણેલી કે ફેંકી દેવાયેલી મોંઘી બ્રાન્ડની અને પ્રીમીયમ બોટલોમાં સસ્તો દારૂ ભરી અને તેમાં એસેન્સ ભેળવી બારોબાર ગ્રાહકોને વેચી મારવાનું કૌભાંડ પકડી પાડયું હતુ. પોલીસે ઘટનાસ્થળેથી આરોપી શંકર ઉર્ફે શંકર મારવાડી તેલી અને બલવતંસિંહ કેસરસિંહ રાજપૂત (બંને રહે.સાંનિધ્ય ફલોરા, ન્યુ રાણીપ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી હલકી ગુણવત્તાનો વિદેશી દારૂ, પ્રીમીયમ અને મોંઘી બ્રાન્ડની વ્હિસ્કીની ખાલી બોટલો, મિક્સ ફ્રુટનું એસેન્સ, બોટલમાં ફીટ કરવાના બુચ અને વિવિધ બ્રાન્ડના સ્ટીકરો સહિતની સામગ્રીનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી લક્ઝરી કે અન્ય કોઇ વાહનો મારફતે પાન-મસાલાના બોક્સમાં હલકી ગુણવત્તાનો વિદેશી બ્રાન્ડનો દારૂ સસ્તા દરે લાવતા હતા. ત્યારબાદ તેમના સાગરિતો મારફતે કચરામાંથી વીણેલી કે ભંગારમાં ફેંકી દેવાયેલી વ્હિસ્કીની ખાલી બોટલો એકત્ર કરી તેમાં સસ્તો દારૂ ભરીને લોકોને પધરાવી દેવાતો હતો. આરોપીઓ મોંઘી બ્રાન્ડનો દારૂ કહીને ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલતા હતા. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ દારૂ વેચવા અંગેના તેમ જ છેતરપીંડી અને કોપીરાઇટ એકટ હેઠળ એમ બે અલગ-અલગ ગુના નોંધ્યા છે અને સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી છે.