(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧પ
ગુજરાતમાં ૮ બેઠકોની પેટાચૂંટણી માટેનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ત્યારે આજરોજ કચ્છ જિલ્લાના અબડાસા ખાતે કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સંઘાણીના વિજય સંકલ્પ સંમેલનમાં અમદાવાદના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ હાજરી આપી સંબોધન કર્યું હતું. તે અગાઉ કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. તે પ્રસંગે કચ્છના આગેવાન હાજી જુમ્મા રાયમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે કચ્છની ભૂમિ વીરો અને સુફી-સંતોની ભૂમિ છે. હાજીપીર જેવા કોમી એકતાના પ્રતિકની આ ભૂમિના લોકો ગદ્દારોને બરાબર પાઠ ભણાવશે. માત્ર અબડાસાની બેઠક જ નહીં પરંતુ ગુજરાતની આઠે આઠ બેઠક કોંગ્રેસ જીતવા જઈ રહી છે. તેનું કારણ એ જ છે કે લોકોમાં ભાજપ પ્રત્યે આક્રોશ છે. કોરોનાની મહામારી દરમ્યાન હોસ્પિટલોમાં બેડ નથી, યુવાઓ પાસે રોજી નથી, રોટી નથી, વેકિસન નથી ત્યારે પ્રજા ભાજપને જરૂર સબક શીખવાડશે. સત્તામાં ટકી રહેવા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાગલા પડાવવા મથતા ભાજપ પર આકરા પ્રહારો કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે ભાજપ ગામે તેટલા પ્રયત્નો કરે પરંતુ ગંગા જમની તહેઝીબમાં ઢળી ચુકેલા હિન્દુ-મુસ્લિમ સમાજ તેમને નકારી કાઢશે. ભાજપ હંમેશા મુસ્લિમોને બેવકુફ સમજતો આવ્યો છે. પરંતુ મારે એટલું કહેવુ છે કે મુસ્લિમો ભલે ગરીબ અને ઓછું ભણેલા હશે પરંતુ ગદ્દારી કદી નહીં કરે, ઈમાનના સોદા નહીં કરે. હા કેટલાક ગદ્દારો અને અસામાજિક તત્વો પોલીસના દબાણમાં કે નાણાની લાલચમાં ચૂંટણીમાં ઉભા રહેશે તો સમાજના લોકો જ તેને પાઠ શીખવાડશે. જો બંને સમાજ ભેગા મળી કામ કરશે તો અબડાસાની બેઠક ૩૦ હજાર જેટલા મતની જીતી જઈશું. ભાજપ ઓછું મતદાન કરાવવા કે સમાજના મતોમાં ભાગલા પડાવવાના પ્રયત્નો કરે તો પણ સમજુ મતદારો તેનો સ્વીકાર કરશે નહીં. ગ્યાસુદ્દીન શેખે વધુમાં કહ્યું છે હું અને મારા સાથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા જ્ઞાતિ જાતિમાં માનતા નથી તમામ સમાજને સાથે રાખી કામ કરીએ છીએ હા એટલું જરૂર કે અમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તે સમાજના પ્રશ્નો મજબૂતાઈથી મક્કમ રીતે ઉઠાવીએ છીએ એમ જણાવી ધારાસભ્યે કોઈની લોભ લાલચ કે દબાણમાં આવ્યા વિના મતદાન કરવા અપીલ કરી હતી.