ભુજ, તા.૧૧
પૂર્વ કચ્છના ધોળાવીરા ગામની પાછળ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપરથી ભારતની સરહદમાં ઘૂષણખોરી કરી રહેલા એક પાકિસ્તાની શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
બોર્ડર પીલ્લર નંબર. ૧૦૨૪ નજીકથી તા.૧૦-૨ ના રોજ ઘૂષણખોરી કરતા શખ્સને જવાનોએ પકડી પાડ્યો હતો. તેનું નામ શોએબ અહેમદ દિલાવરખાન (ઉ.વ.૩૮ઃ હોવાનું અને તે પાકિસ્તાનના નોર્થ કરાંચીની શાહનવાઝ ભૂટ્ટો કોલોનીમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે. આ શખ્સ નશાનો આદી હોવાનું લાગે છે. તેવું સીમાદળના જવાનોએ જણાવ્યું હતું. આ શખ્સને તા. ૧૧-૨ ની સવારે સીમાસુરક્ષા દળ દ્વારા બાલાસર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. શોએબ પાસેથી પાકિસ્તાની ચલણ તેમજ અમૂક દસ્તાવેજો પણ મળ્યા છે. જો કે આ દસ્તાવેજોમાં કંઈ વાંધાજનક લખાણ કે સાહિત્ય નથી.
બાલાસર પોલીસ મથકમાંથી જાણવા મળ્યું કે આ શખ્સની તપાસ બાદ કોર્ટમાં રજૂ કરી ભુજના જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં ખસેડવામાં આવશે.