અમદાવાદ, તા.૧
ભારતમાં હાલ કોરોના મહામારીનો કેર જારી છે ત્યાં કેટલાક મહિનાઓથી ચીન સરહદે પણ ટેન્શનભર્યું વાતાવરણ છે જ્યારે પાકિસ્તાન સાથે પણ માહોલ ગરમાયેલો જ છે ત્યારે કચ્છમાં પાકિસ્તાની બોર્ડર નજીક આવેલા ચોબારી ગામમાં આકાશમાં વાયુસેનાના વિમાનો ઉડાનો ભરતા લોકો ભયભીત બન્યા હતા. આ અંગે સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન આ યુદ્ધ વિમાનો ભારતીય વાયુસેનાના જ હોવાનું બહાર આવ્યું હતું.
ભારત-પાકિસ્તાનની સરહદની નજીક આવેલા ભચાઉના ચોબારી ગામના આકાશમાં યુદ્ધ વિમાનોએ અત્યંત નીચા ઉતરીને ચક્કર લગાવ્યા હતા. યુદ્ધ વિમાનોના પ્રચંડ અવાજ તથા ઘરઘરાટીથી ભયનો માહોલ સર્જાયો હતો. ગામના સરપંચ દ્વારા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. સરપંચ વેલજીભાઈ આહિરે કહ્યું હતું કે, યુદ્ધ વિમાનો ઘણા નીચા લેવલે ઉડાન ભરી રહ્યા હતા એટલે અવાજ પ્રચંડ હતો. ભયભીત ગામ લોકોએ ફોન કરીને ધ્યાન દોર્યું હતું. ભયનો માહોલ હતો. વીડિયો-ફોટા પણ આવ્યા હતા. આ અંગે પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ચોબારી ગામમાં વિમાનો ખૂબ નીચે ઉડતા હોવાથી ભય વધ્યો હતો. વીડિયો-ફોટાની ચકાસણી કરતા આ વિમાનો ભારતીય વાયુસેનાના હોવાનું જાણમાં આવ્યું હતું. એટલે લોકોમાં હાશકારો હતો. જો કે, આ વિમાનો શા કારણે ચોબારી ગામમાં નીચી ઊંચાઈએ ચક્કર લગાવ્યા તે વિશે લોકોમાં તરેહતરેહની ચર્ચા થઈ રહી છે.