અમદાવાદ, તા.ર૪
કચ્છમાંથી પકડાયેલા ૮પ૦ જેટલા ચરસના પેકેટ પકડાયા હતા જેની તપાસમાં પાકિસ્તાન કનેક્શન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે ત્યારે ગુનાના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યની દરિયાકાંઠા સહિતની તમામ સરહદો પરથી ચરસ-ગાંજા, દારૂ કે અન્ય કોઈ કેફી દ્રવ્યો પ્રવેશે નહીં તે માટે ગુજરાતની પોલીસ, બીએસએફ અને કોસ્ટ ગાર્ડ સંયુક્ત રીતે સક્રિય છે એમ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું યુવાધન નશાની આદતે ન ચડી જાય તે માટે રાજ્યમાં સઘન અને કડક ઝુંબેશ ચાલી રહી છે. કોઈ પણ ભોગે ગુજરાતનું યુવાધન નશાખોરી તરફ ન વળે તે અમારો સંકલ્પ છે અને તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ગુજરાતમાં દરિયાઈ સરહદ મારફતે તાજેતરમાં ઘૂસાડવામાં આવેલા ચરસના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી. લાંબી દરિયાઈ સરહદ છે. રાજ્યની દરિયાકાંઠા સહિતની તમામ સરહદો પરથી ચરસ-ગાંજા, દારૂ કે અન્ય કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્ય ન પ્રવેશે તે માટે રાજ્યની મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી અને બીએસએફ સંયુક્ત રીતે સક્રિય રીતે સઘન ચેકિંગ કરી રહી છે. ગુજરાત પોલીસની સતર્કતાને કારણે કચ્છમાંથી ૮૫૦ જેટલા પેકેટ ચરસનો જથ્થો પકડવામાં સફળતા મળી છે ત્યારે આ ગુનામાં પાકિસ્તાન કનેક્શન ખૂલતાં ગુનાના મૂળ સુધી પહોંચવા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના યુવાધનને નશાખોરી તરફ વાળવાનો પ્રયત્ન કરી રહેલા આવા ગુનેગારોને બિલકુલ છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હજુ પણ એનડીપીએસના કેસો શોધવા માટેની આ પ્રકારની ડ્રાઈવ રાજ્યમાં ચાલુ જ રહેશે.