ભૂજ, તા.ર૦
લોકડાઉનના પ્રથમ બે તબક્કાઓમાં સલામત રહેલા કચ્છ જિલ્લામાં હવે મુંબઈ તરફથી આવી રહેલા લોકોથી કચ્છમાં કોરોના સંક્રમણ વધતા કચ્છ હવે ખૂબ જ ઝડપથી રેડઝોન તરફ આગળ વધી રહ્યું છે. કચ્છમાં એક સાથે ર૧ વ્યક્તિઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ નોંધાતા ખુદ કચ્છનું તંત્ર ચોંકી ઉઠ્યું છે અને કચ્છના લોકોમાં પણ ભયનું વાતાવરણ ઊભું થયું છે. બીજી તરફ કચ્છ જિલ્લા કલેકટર પ્રવિણ ડી.કે. દ્વારા જાહેરનામું બહાર પાડી સવારે ૭થી સાંજે ૪ વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આંતર જિલ્લાની આવન-જાવન ઉપર પણ છૂટ મળતા હવે કચ્છમાં કોરોના સંક્રમણ વધે તેવી લોકોમાં દહેશત છે.
દરમ્યાન કચ્છના સામખિયાળી ખાતે મુંબઈથી એક ટ્રેન આવી પહોંચી હતી. જે તમામ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે. તમામને આવશ્યક સૂચનાઓ પણ આપવામાં આવી છે. જેને પગલે ધંધાર્થીઓમાં નારાજગી ઊઠી છે.