અમદાવાદ, તા.૨૬
રાજયના નાણામંત્રીએ જણાવ્યું કે, વન્ય જમીન અન્ય હેતુઓ માટે ઉપયોગ અર્થે આપવામાં આવે ત્યારે યુઝર એજન્સી પાસેથી જરૂરી ચાર્જ વસૂલવામાં આવે છે . આ રકમમાંથી વનીકરણ , વન સંરક્ષણ , ભૂમિ , અને ભેજ સંરક્ષણ , વન્ય પ્રાણી તેમજ જૈવિક વિવિધતાનું વ્યવસ્થાપન જેવા કામો માટે કમ્પેનસેટરી અફોરસ્ટેશન ફન્ડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરીટી – કેમ્પા અંતર્ગત રૂ.૨પ૦ કરોડની જોગવાઈ કરાઇ છે. રાજયમાં વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે રૂ.૨૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે રાજયના વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.૧૭૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણ યોજના હેઠળ વૃક્ષ વાવેતર અને અનુષંગિક વિસ્તરણની પ્રવૃતિ માટે કુલ રૂ.૨૨૮ કરોડની જોગવાઇ કરાઇ છે. ઘાસ સંગ્રહની ક્ષમતા વધારવા ૪૦ નવા ગોડાઉન બાંધકામ માટે રૂ.૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ઘાસના મેદાનો વિકસિત કરી પશુપાલકોને સહાયભૂત થવા રૂ.૧૫ કરોડની જોગવાઈ કરાઇ છે.