(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.ર
એટ્રોસિટી એકટમાં સુધારા કરવાના વિરોધમાં તા.ર/૪ના રોજ કચ્છમાં દલિતો રસ્તા ઉપર ઉતરી આવી ઠેર-ઠેર વિરોધ વ્યક્ત કર્યો હતો. ગાંધીધામ-ભૂજમાં સામાન્ય આગજની પણ થઈ હતી.ગાંધીધામમાં વિરોધ કરવા નિકળેલા દલિત સમુદાયે ઓસ્લો સર્કલ પાસે ટાયર સળગાવી રસ્તાને બંધ કરી દીધો હતો. તો વળી ગાંધીધામના ટાગોર રોડ ઉપર ટોળા દ્વારા દુકાનોમાં સામાન્ય તોડફોડ પણ કરવામાં આવી હતી. બીજી તરફ ગાંધીધામમાં દલિત સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરી મુખ્ય બજારો પણ બંધ કરાવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન પોલીસ ખડે પગે રહી હતી. મુખ્ય મથક ભૂજ ખાતે પણ ટોળા દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનો બંધ કરાવી હતી અને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ કોઈ શખ્સે પથ્થરનો ઘા કરી કલેકટર કચેરીનો કાચ તોડ્યો હતો. ગાંધીધામ-ભૂજ ખાતે મુખ્યમાર્ગો ઉપર ચક્કાજામ સર્જી દેવામાં આવતા કલાકો સુધી વાહનો અટવાયા હતા.