વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે
માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરશે : ધોરડોમાં રાત્રી રોકાણની શક્યતા

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છમાં સ્થપાનાર વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમુહૂર્ત કરવા માટે વડાપ્રધાન આગામી તા.૧૪ અને ૧પ ડિસેમ્બરે ગુજરાત પધારે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ સાથે તેઓ માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમુહૂર્ત આગામી તા.૧પ ડિસેમ્બરે કરવા માટે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વિન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે. પ્રધાનમંત્રી આ પાર્કના ખાતમુહૂર્ત ઉપરાંત માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અંગેની વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે, આ ડિસેલિનેશન પ્લાન્ટ પ્રજા માટે તથા ખેડૂતો, પીવાના પાણી અને ઉદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલિનેશન પ્લાન્ટ ઉદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનના હસ્તે શરૂ કરતા જઈએ છીએ. તેમના સી-પ્લેન, રો-પેક્સ ફેરી સર્વિસીઝ, કેવડિયા ખાતે અનેક નવા પ્રોજેક્ટ્‌સ તેમજ ગીરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેક્ટ્‌સનું તેમના હસ્તે ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ધોરડોમાં રાત્રી રોકાણ કરે તેવી પણ સંભાવના છે. પહેલાં પીએમ મોદી ર૮ નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરી હતી અને ઝાયડસ કેડિલા વેક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઝાયકોવ ડી-વેક્સિનનું નિર્માણ થઈ રહ્યુંં છે.