(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ,અંકલેશ્વર,તા.૩

રાજયમાં કચ્છ અને ભરૂચ જિલ્લામાં સવારે અને સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા ગભરાટના માર્યા લોકો ઘર બહાર દોડી ગયા હતા. કચ્છમાં વહેલી સવારે ૭.૩૯ મિનિટે ૩.૬ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક  હતું. જયારે ભરૂચમાં સાંજે પ.૧૯ કલાકે અનુભવાયેલા આંચકાની તીવ્રતા ૩.૩ અને તેનું કેન્દ્રબિંદુ ભરૂચથી ૭ કિ.મી. દૂર નોંધાયું હતું. કચ્છ જિલ્લામાં ભૂકંપની અલગ અલગ ફોલ્ટ લાઈનો સક્રિય હોવાથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. આજે રક્ષાબંધનના  પર્વની વહેલી સવારે ૭.૩૯ મિનિટે ૩.૬ તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક ખાવડા પાસે નોંધાતા બીજી ફોલ્ટ લાઈનો સક્રિય થતી હોવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ નોંધાયેલો આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી કોઈ નુકસાનીના અહેવાલ નથી.

અંકલેશ્વરથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભરૂચમાં ૨૦૧૮ બાદ ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  રક્ષાબંધનના તહેવારની સમી સાંજે અચાનક ધરા ધ્રુજવા લાગતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં.  રક્ષાબંધનના તહેવારની ઉજવણીનો ભરૂચવાસીઓમાં ઉત્સાહ હતો તેવામાં સાંજે ૫ વાગીને ૨૦ મિનિટના અરસામાં થોડી સેકન્ડો માટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભરૂચ તથા નર્મદા જિલ્લામાં એપી સેન્ટર હોય તેવા અત્યાર સુધીમાં ૧૮થી વધારે  ભૂકંપના આંચકા નોંધાઇ ચૂકયાં છે. બંને જિલ્લામાં આવેલાં ભૂકંપની મહત્તમ તીવ્રતા ૫.૪ જયારે ન્યુનતમ તીવ્રતા ૨.૬ રીકટર સ્કેલની નોંધાઇ છે. ભરૂચ જિલ્લામાં છેલ્લે ૨૦૧૮ની સાલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર વાલીયા નજીક ભેંસખેતર અને ભમાડીયા ગામ વચ્ચે નોંધાયું હતું અને તીવ્રતા ૩.૭ રીકટર સ્કેલ               રહી હતી.

રક્ષાબંધનના દિવસે આવેલાં ભૂકંપની તીવ્રતા ૩.૩ રીકટર સ્કેલ તથા એપી સેન્ટર ભરૂચથી દક્ષિણમાં સાત કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ આંચકા મામલે જિલ્લા કલેક્ટરે પણ પુષ્ટી કરી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ અને ગોવાલી ગામ વચ્ચે કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળેલ છે.