(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૧ર
કચ્છ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધતા લોકોમાં ભયનો માહોલ છે, આજરોજ વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં કોરોનાનો વાયરસ હાહાકાર સર્જી રહ્યો છે જેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી અનલોક-૧ની છૂટછાટમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજેરોજ કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો તેની સાથે કોરોનામાં મૃત્યુ પણ વધી રહ્યા છે, જેમાં કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના નવા ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અખિલેશસિંહ ચંદ્રશેખરસિંહ રાજપૂત (ઉ.વ.૪૦), રાહુલસિંહ સંજયસિંહ રાજપૂત (ઉ.વ.ર૬), સવિતાબેન શંકરભાઈ પટેલ (ઉ.વ.૮૦) અને જયાબેન જોશી (ઉ.વ.પ૦)નો સમાવેશ થાય છે. આ નવા ચાર કેસો નોંધાતા આરોગ્યતંત્ર દોડતું થયું છે જેમાં અત્યાર સુધી જિલ્લામાં ૯૯ પોઝિટિવ કેસ નોંધાયા છે અને સાત વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધી કુલ ર૦ કેસો એક્ટિવ છે અને ૭ર દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી હતી.