(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧૭
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ ઉપર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ર.પ કિ.મી. લાંબાં સાયફોન છેલ્લા ચારેક વર્ષથી લીકેજ થયેલ છે. લીકેજ સાયફોનને કારણે લાખ્ખો લીટર પાણી કચ્છના રણમાં પહોંચ્યું છે. ૧૪મી ઓગસ્ટ ર૦૧૪ના રોજ સાયફોનનું લોકાર્પણ થયાના કલાકોમાં સાયફોન તુટ્યું હતું. પરંતુ સાયફોન તુટ્યા બાદ પણ સાયફોન બનાવનાર જીડીસીએલ કંપની સામે નિગમ દ્વારા સખત કાર્યવાહી કરવાના બદલે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી આજ કંપનીને પાંચ વર્ષ માટે મેન્ટેનન્શનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. છેલ્લા ચારેક વર્ષથી સાયફોનમાંથી પાણી લીકેજ થતું પાણી રણમાં વેડફાતુ હોઈ આ વિસ્તારમાંથી વખતોવખત રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ નિગમના અધિકારીઓ દ્વારા કેનાલમાં પાણી બંધ કરીને રજૂઆત કરનાર આગેવાનોનો અવાજ દબાવવાની કોશીશ કરવામાં આવતી હોવાનું સ્થાનિક આગેવાને જણાવ્યું હતું. સાયફોન રીપેરીંગ કરાવવાના બહાના તળે ગત ભર ઉનાળામાં ત્રણ માસ માટે સબકેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ સાયોનનનું રીપેરીંગ કરવામાં આવ્યું ના હોવાનું પણ આગેવાન પાસેથી જાણવા મળ્યું હતું. સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવતું પાણી લીકેજ સાયફોનના કારણે રણમાં કેટલાય કિલોમીટરમાં વેડફાયું છે. ત્યારે રાધનપુર નર્મદા નિગમના એ.સી. ચૌહાણને પાણી લીકેજ બાબતે પૂછતા તેઓ ગાંધીનગર મીટિંગમાં હોવાનો રાગ આલાપી નિગમની નિષ્ફળતા છૂપાવવાની કોશીશ કરી હતી. કેનાલ પર મશીન મૂકીને પાણી લેતા ખેડૂતો સામે પાણી ચોરીની ફરિયાદ કરનાર નિગમના અધિકારીઓ રણમાં લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થવા છતાં કોઈ જ કાર્યવાહી ના કરતા આ વિસ્તારના લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો છે.