કચ્છ, તા.૨૨
કચ્છમાં ગત ચોમાસાથી સ્વાઇનફલૂએ કમર કસી છે અને ડિસેમ્બર સુધીમાં ૧૮૨ કેસ સ્વાઇનફ્લૂના નોંધાઇ ગયા બાદ જાન્યુઆરી અને ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં બીજા ૧૩૧ કેસ કચ્છમાં પોઝિટીવ બહાર આવી ગયા છે. ખાસ કરીને ભુજ તાલુકામાં કચ્છમાં જે ૧૩૧ કેસ બહાર આવ્યા છે તેમાંથી અડધાથી પણ વધુ એટલે કે ૭૦ કેસ તો માત્ર ભુજમાંથી બહાર આવ્યા છે. ભુજની મોટાભાગની હોસ્પિટલો સ્વાઇનફ્લૂના કેસથી ઉભરાઇ રહી છે. શહરેની ૫ હોસ્પિટલમાં જ આ વર્ષે ૯૨ દર્દી દાખલ થયા છે.
કચ્છમાં જે ૧૩૧ પોઝિટીવ કેસ ૨૦૧૯માં બહાર આવ્યા છે, તેમાંથી ૭૦ કેસ ભુજ તાલુકાના છે. ભુજ તાલુકામાં પણ ૧૬ કેસ ભુજ શહેરના છે. જ્યારે માધાપરના ૧૩ કેસ છે. માધાપરની જેમ પટેલ ચોવીસીના અનેક ગામોમાં આ રોગે પગપેસારો મજબૂત બનાવ્યો છે. મહિલાઓની સરખામણીએ પુરૂષો તેના વધુ સકંજામાં આવ્યા છે. ૬૧ ટકા પુરૂષોની સરખામણીએ માત્ર ૩૯ ટકા મહિલાઓ જ આ રોગચાળાની ભોગ બની છે. તેવી જ રીતે એક વર્ષના ત્રણ બાળકથી લઇને ૮૫ વર્ષના વૃદ્ધ પણ તેનો શિકાર બન્યા છે. તો મુન્દ્રાના ત્રણ વર્ષના જોડિયા ભાઇ-બહેન પણ આ રોગચાળાની ઝપેટે ચડી ચૂકયા છે. આ રોગનું પ્રમાણ યુવાનોમાં ઓછું છે.
૨૦૧૯ના ૫૦ દિવસમાં જ કચ્છમાં સ્વાઇનફ્લૂએ ૯નો ભોગ લઇ લીધો છે. જેમાં માધાપરના ૪, કોટડા જડોદરના ૧, સુરજપરના ૧, જંગીના ૧, માનકુવાના ૧ અને નાના કપાયાના ૧નો સમાવેશ થાય છે. મૃતકોની વય ૪૪થી લઇને ૭૦ વર્ષ સુધીની છે. મૃતકોમાં ૬ પુરૂષ છે. જ્યારે ૩ મહિલા છે.