(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
ગણદેવીના કછોલીમાં આવેલા ડુંગરી ફળિયામાં રહેતી પ્રસુતાએ બુધવારે અમલસાડની સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ બ્લિડિંગ શરૂ થઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે નવસારી અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન પ્રસુતાનું મોત નીપજ્યું હતું. જેથી પ્રસુતાના પરિવારજનોએ અમલસાડ હોસ્પિટલના તબીબો પર સારવારમાં બેદરકારીના આક્ષેપ લગાવ્યા હતા.ગણદેવીના કછોલી ગામના ડુંગરી ફળિયામાં રહેતી પ્રિયંકા ધર્મેશ હળપતિને સાતમીની સવારે ૧૦ વાગ્યે નવમાં મહિનાની ગર્ભાવસ્થામાં પ્રસુતિની પીડા થઈ હતી. જેથી પરિવાર તેને અમલસાડની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં બે કલાક બાદ પ્રસુતિ થઈ અને ત્યારબાદ બ્લિડિંગ શરૂ થઈ જતાં ગંભીર હાલતમાં પ્રિયંકાને તાત્કાલિક નવસારી અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરત સિવિલમાં સર્જરી પણ કરાઈ હતી. જો કે, ૧૦થી ૧૨ કલાકમાં તેનું મોત નીપજ્યું હતું. અમલસાડ હોસ્પિટલના તબીબોની બેદરકારી હોવાથી મોત થયાના આક્ષેપ તરૂણભાઈએ વધુમાં લગાવ્યા હતા. મૃતક પ્રિયંકાની દીકરીનું વજન હાલ ત્રણ કિલોથી વધુ છે. જો કે, તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી કાચની પેટીમાં રાખવામાં આવી છે. પરિવારના આક્ષેપ બાદ પોલીસે મૃતકના પીએમથી લઈને મોતનું કારણ જાણવા સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે.