નવી દિલ્હી, તા.૬
જાતીય હિંસાના કારણે શ્રીલંકામાં મંગળવારે જાહેર કરાયેલી કટોકટી બાદ પણ ભારત શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણિય ટી-ર૦ સિરીઝ ચાલુ રહેશે. આ સિરીઝની શરૂઆત આજથી થઈ ગઈ છે. શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આ મેચના આયોજનને લઈ શંકાની સ્થિતિ ઊભી થઈ હતી. પણ ક્રિકેટ શ્રીલંકાએ સિરીઝ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. શ્રીલંકા ક્રિકેટના કાર્યકારી અધિકારી ડીસિલ્વાએ કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને કેબિનેટ મંત્રીઓની બેઠક યોજાઈ અને નિર્ણય લેવાયો કે સિરીઝ નિર્ધારિત સમય અનુસાર ચાલુ થશે. તેમણે કહ્યું કે શ્રીલંકામાં કટોકટી ઉપરાંત કર્ફ્યુ પણ લાગ્યો છે. જો કે ફર્ફ્યુ કેન્ડી શહેરમાં લાગ્યો છે. કોલંબોમાં નહીં. કોલંબોમાં પરિસ્થિતિ સામાન્ય છે. આ અંગે અન્ય જાણકારી આપવામાં આવશે.