(એજન્સી)                                                      તા.૨૦

ધ નેશનલ હ્યુમન રાઈટ્‌સ કમિશને આસામ સરકારને આદેશ આપ્યો છે કે ૬૮ વર્ષીય શૌકત અલીને વળતર ચુકવવામાં આવે. શૌકત અલીને ૧ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે. શૌકત અલી પર હિન્દુ કટ્ટરવાદીઓએ હુમલો કરી દીધો હતો અને તેમને બળજબરીપૂર્વક ભૂંડનું માંસ ખાવા માટે મજબૂર કર્યા હતા. આ ઘટના એપ્રિલ ૨૦૧૯માં આસામના વિશ્વનાથ ચારીઅલી શહેરમાં બની હતી. કોંગ્રેસના નેતા દેબબ્રતા સાઈકિયાની ફરિયાદના આધારે સુનાવણી કરતાં કમિશને આ વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો. જાણીતા અંગ્રેજી અખબાર ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસએ આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે બંને ચીફ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એક્શન રિપોર્ટ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તદઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સબમિટ કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે આ ઘટના જે બજારમાં બની હતી તે હિન્દુઓનો વિસ્તાર હતો અને ત્યાં બીફ લઈ જવું તેમની લાગણી દુભાવવા સમાન હતું. ટોળાએ તેને અપમાન સમજીને પીડિત પર હુમલો કરી દીધો અને આ દરમિયાન પીડિતને માંસ બળજબરીપૂર્વક ખવડાવી દીધો હતો. આ માંસ નહોતું પણ પોર્ક હતું. એટલે કે ભૂંડનું માંસ. એનએચઆરસીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે પીડિત પર હુમલો માનવાધિકારોનું ઉલ્લંઘન છે. પોલીસે ૧૫ લોકોની ધરપકડ કરી હતી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. જોકે આ મામલે માનવાધિકારોના ઉલ્લંઘનને જોતાં પીડિતને વળતર ચૂકવવું જોઈએ.