(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
ફી નિયમન મુદ્દે ગુજરાત સરકારની જીત થઈ છે તેમ જણાવતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે એક સપ્તાહમાં ફી નિયમન કમિટીની પુનઃરચના કરાશે. કમિટીમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરવામાં આવશે અને મુક્તિને લઈ ફેરવિચારણા કરવામાં આવશે. ર૮ ફેબ્રુઆરી સુધી વાલીઓની રજૂઆત સાંભળવામાં આવશે. જો કે નવી કમિટીની રચના સહિત સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવા સુધીમાં ચાલુ શૈક્ષણિક સત્ર પૂરૂં થઈ જાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારને લપડાક પડી હતી જેમાં ફી નિર્ધારણ વિધેયક મુદ્દે સુપ્રીમે ફી નિર્ધારણ કમિટીને રદ કરી હતી. જ્યારે ફી અંગેના સ્લેબ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાયા હતા. નવેસરથી ફી સ્ટ્રક્ચર નક્કી કરવા સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો.
શિક્ષણમંત્રીએ કહ્યું કે સ્કૂલોએ તેમની પ્રપોઝલ બે સપ્તાહમાં રાજ્યની ફી રિવિઝન અને રિવ્યુ કમિટી સમક્ષ રજૂ કરી દેવાની રહેશે. તેમણે કહ્યું કે જેને વાંધો હોય તે માત્ર સુપ્રીમ કોર્ટમાં જ અપીલ કરી શકશે. અન્ય કોઈ કોર્ટમાં અપીલ કરી શકાશે નહીં. સાથે જ તેમણે સ્કૂલ મેનેજમેન્ટ્‌સને વકીલોને મોંઘી ફી આપીને રાજ્ય સરકારના નિર્ણયને પડકારવાને બદલે ફીમાં ઘટાડો કરી દેવાની અપીલ પણ કરી હતી.
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે સ્કૂલ મેનેજમેન્ટ્‌સ સાથે સંકળાયેલી છે કેમ કે તેમના વરિષ્ઠ નેતા (કપિલ સિબ્બલ) ફી નિર્ધારણ સામેનો કેસ લડી રહ્યા છે. પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવ સુનયના તોમરે પણ કહ્યું કે, ગુજરાત સરકારના ફી નિર્ધારણના નિર્ણય સામે સ્કૂલોએ ૩૯ મોટા વકીલોને રોક્યા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ કાયદાની મૂળ કલમ ૯ હેઠળ કટ ઓફ ફી રૂા.૧પ,૦૦૦, રપ,૦૦૦ અને ર૭૦૦૦ની મુક્તિ મર્યાદામાં ફેરવિચારણા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરશે. આ કમિટી સમક્ષ વાલી મંડળ તથા શાળા સંચાલકો આ અંગે રજૂઆત કરી શકશે. આ રજૂઆતો સાંભળ્યા બાદ કટ ઓફ ફી નક્કી કરવાની સમગ્ર કાર્યવાહી સુપ્રીમ કોર્ટના વચગાળાના ચુકાદાની તારીખથી ચાર અઠવાડિયામાં એટલે કે ર૮-ર-૧૮ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ફી અંગેની મુક્તિ મર્યાદા બાબતનું જાહેરનામું બહાર પાડ્યા બાદ બે અઠવાડિયા સુધીમાં શાળાઓએ ફી નિર્ધારણ કમિટી સમક્ષ દરખાસ્ત અને હિસાબો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ ચાર અઠવાડિયામાં સમિતિએ ફી નક્કી કરવાની રહેશે. ફી રિવિઝન સમિતિએ પણ રજૂઆત મળ્યેથી દિન-૬૦માં આખરી નિર્ણય કરવાનો રહેશે.