(એજન્સી),તા.૧૦
જમ્મુ-કાશ્મીરમાં આઠ વર્ષની એક માસૂમ બાળકી સાથે કથિત બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહેલી રાજય પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ૯ એપ્રિલ સોમવારે કઠુઆની કોર્ટમાં આઠમાંથી સાત આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ દરમ્યાન કઠુઆના મુખ્ય જયુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટની બહાર વકીલોએ પ્રદર્શનો કર્યા હતા. આ વકીલોએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બાળકીની હત્યા અને બળાત્કારના કેસમાં ચાર્જશીટ દાખલ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આઠ વર્ષની બાળકીની હત્યા અને બળાત્કાર કેસમાં આઠમાંથી સાત આરોપીઓ વિરૂધ્ધ કઠુઆના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં લઈને આવેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને કઠુઆ બાદ એસોસિએશનના સભ્યો તરફથી વિરોધનો સામનો કરવો પડયો હતો. વકીલોએ ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા દરમ્યાન ‘ક્રાઈમ બ્રાન્ચ પાછા જાઓ’ સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલોએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને અદાલતમાં દાખલ થતા રોકયા હતા વકીલોને ભારે વિરોધ છતાં અધિકારીઓએ આ કેસના આઠ આરોપીઓમાંથી સાત આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની મદદ માટે વધારાની પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરી છે તેમાંથી બે સ્પેશ્યલ પોલીસ ઓફિસર (એસપીઓ) છે.
ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી આ કેસમાં સંજીરામ (ઉ.વ.૬૦) તેનો પુત્ર વિશાલકુમાર જમ્મુ-કાશ્મીર ક્રાઈમ બ્રાન્ચના વિશેષ પોલીસ અધિકારી દીપક ખજુરિયા અને સુરિન્દરકુમાર વર્માની ધરપકડ કરી છે. આ ઉપરાંત હીરાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તિલક રાજની પુરાવાઓના નાશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમજ સબ ઈન્સ્પેકટર આનંદ દત્તા, પરવેશકુમાર અને એક તરૂણની પણ ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી વકીલોના વિરોધ વચ્ચે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા માટે ગયા ત્યારે તેઓને છ કલાક સુધી રાહ જોવી પડી કારણ કે કઠુઆના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ચાર્જશીટ સ્વીકારવા માટે તૈયાર ન હતા. છેવટે જમ્મુ-કાશ્મીરના કાયદામંત્રી અબ્દુલ હકે દરમ્યાનગીરી કરતા તેમણે છેવટે ચાર્જશીટ સ્વીકારી હતી. આમ, વકીલો અને જજની વર્તણૂકને લીધે સોશ્યલ મીડિયામાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સામાજિક કાર્યકર્તા કવિતા ક્રિષ્નને આસીફાના સામૂહિક બળાત્કારને ડિસેમ્બર ર૦૧રમાં દિલ્હીમાં થયેલા સામૂહિક બળાત્કાર સાથે સરખાવ્યો હતો અને હિન્દુ એકતા મંચ, કઠુઆ બાર એસોસિએશનના શરમજનક કૃત્યોનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસે આસિફા બળાત્કાર, હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયાને અવરોધતા વકીલોની ઝાટકણી કાઢી
(એજન્સી) શ્રીનગર, તા.૧૦
જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અહમદ મીરે આજે એ વકીલોની ઝાટકણી કાઢી જે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ૮ વર્ષીય બાળા આસિફાના બળાત્કાર અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ કરવા અવરોધી રહ્યા હતા. મીરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મને આ ઘટના બાબત આશ્ચર્ય થઈ રહ્યું છે. આ રાજકીય પ્રેરિત ઘટના છે. જેના દ્વારા આ પ્રકારના જધન્ય અપરાધમાં ન્યાય અપાવવાના પ્રયાસોને રોકવામાં આવી રહ્યા છે. ગઈકાલે વકીલોએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને કઠુઆની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પ્રવેશવા અટકાવ્યું હતું. અધિકારીઓ બળાત્કાર અને હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરવા જઈ રહ્યા હતા. જે વકીલો આ પ્રક્રિયામાં અવરોધો ઊભા કરે છે એ ગુનાને સમર્થન આપી રહ્યા છે એવી લાગણી ઊભી થઈ રહી છે.
કઠુઆ બળાત્કાર-હત્યા કેસના આરોપીઓના સમર્થન માટે અપાયેલ જમ્મુ બંધના એલાનની નાગરિક સંગઠનોએ તીવ્ર આલોચના કરી


(એજન્સી) જમ્મુ, તા.૧૦
૭મી એપ્રિલે સામાજિક, રાજકીય અને અન્ય સંસ્થાઓએ સર્વસંમતિથી ૧૧મી એપ્રિલે જમ્મુ બંધનું એલાન કર્યું છે. એમની મુખ્ય માગણીઓ છે કે, ૮ વર્ષીય આદિવાસી બાળકીના બળાત્કાર અને હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે, ટ્રાઈબલ ડિપાર્ટમેન્ટના નિર્દેશોને રદ કરવામાં આવે અને રોહિંગ્યા અને બાંગ્લાદેશી શરણાર્થીઓને પાછા મોકલવામાં આવે. પોલીસે બાળકીની હત્યા અને બળાત્કાર સંદર્ભે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે આ અંગેની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી છે તેમ છતાંય સંસ્થાઓએ બંધનું એલાન આપ્યું છે. કઠુઆ બાર એસોસિએશને પણ ૧રમી એપ્રિલ સુધી કામકાજ મુલતવી રાખ્યું છે અને બંધને સમર્થન આપ્યું છે. જો કે, ચીનાબ ક્ષેત્રની બાર એસોસિએશને પોતાને બંધથી અળગા હોવાની જાહેરાત કરી છે. એમણે કહ્યું કે, બંધનું એલાન આપી ન્યાયિક પ્રક્રિયામાં અવરોધો ઊભા કરાઈ રહ્યા છે. એમણે કહ્યું કે, બંધનું એલાન આપનારાઓ આરોપીઓનું રક્ષણ કરવા માંગે છે. આ કેસમાં સીબીઆઈ તપાસની માગણી સાથે બધા સંમત નથી. ફકત ભાજપ અને આરએસએસના વકીલોએ જ સંમતિ આપી છે. છોકરીના પિતાએ વકીલોની ટીકા કરતાં કહ્યું છે કે, વકીલોએ ઝડપી કાર્યવાહીની માગણી કરવી જોઈએ એના બદલે સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યા છે. સામાન્ય કેસોમાં પોલીસ પોતાના માણસોનું રક્ષણ કરે છે પણ અહીં પોલીસોએ પોતાના ચાર પોલીસોને પણ આરોપી બનાવ્યા છે. પોલીસની આ પ્રકારની કામગીરી પછી પણ સીબીઆઈની તપાસની માગણી કેમ કરવામાં આવી રહી છે. સંઘ દ્વારા જ જમ્મુની પરિસ્થિતિ બગાડવા પ્રયાસો કરાઈ રહ્યા છે.