(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
નિર્ભયા રેપ-મર્ડર કેસમાં છ-છ વર્ષના લાંબા સમયગાળા છતાં હજુ સુધી ન્યાયની રાહ જોઈ રહેલ નિર્ભયાની માતાએ કઠુઆ અને ઉન્નાવના રેપ કેસમાં તેમના પરિવારોને આશ્વાસન આપતા જણાવ્યું કે, કઠુઆની દીકરીના માતા-પિતાએ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડશે. મેં પણ ઘણી તકલીફો ઉઠાવી છે. ગત વર્ષ મે મહિનામાં દોષિતોને ફાંસીનો નિર્ણય આવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો. સુપ્રીમ કોર્ટમાં બે-ત્રણ મહિનાથી મુદ્દત પણ પડતી નથી પછી આમને આમ બે-ત્રણ વર્ષ નીકળી જશે. તેમણે કઠુઆ-ઉન્નાવ પીડિત પરિવારને કહ્યું કે, તમે એકલા નથી જેમની સાથે આ બનાવ બન્યો. એવા ઘણા બધા પરિવારો છે. જેમાં હું પણ એક છું. તેમણે પીડિતાઓના પરિવારને આશ્વાસન આપતા કહ્યું કે, હિંમત અને આશા રાખો. બંધારણમાં જોગવાઈ મુજબ દોષિતોને સજા મળશે. છ વર્ષ પહેલાં એક નિર્ભયા હતી. આજે કઠુઆમાં એક નિર્ભયા અને ઉન્નાવની નિર્ભયા. આ બધુ જોઈને મારી આત્મા ધ્રૂજે છે. તેમણે કહ્યું કે, નિર્ભયાને ન્યાય આપવા આજ સુધી લડી રહી છું. પરંતુ ૬ વર્ષમાં પણ તેમને ન્યાય મળ્યો નથી. આરોપીઓને ફાંસીની સજા થઈ છતાં તેઓ જીવિત છે. કઠુઆ અને ઉન્નાવની ઘટના પર ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે મને પૂછો કે મેં કેટલો સંઘર્ષ ખેડ્યો છે. આ છ વર્ષોમાં સ્થિતિ વધુ ખરાબ બની છે, કઠુઆમાં બાળકી મરી ગઈ પણ આરોપીઓ મુક્ત રીતે ફરે છે. આરોપીઓને બચાવવા પ્રદર્શન કરનાર લોકો પ્રત્યે ઘૃણા ઉપજે છે. એમના ઘરમાં માં-દીકરી કે બહેન નહીં હોય. કેટલી નિર્દયતાથી ૮ વર્ષની કિશોરી સાથે રેપ કરીને તેની હત્યા કરી દેવાઈ અને આરોપીઓને બચાવવામાં રાજનીતિ રમાઈ રહી છે. આ કેવા શાસનમાં જીવી રહ્યા છીએ આપણે ? તેમણે કહ્યું કે, સરકાર બેટી બચાઓ, બેટી બઢાઓ, બેટી પઢાઓ અભિયાન ચલાવે છે, સ્ત્રીઓના નામે મોટા-મોટા સ્લોગન દ્વારા અભિયાન ચલાવતી સરકાર કહે છે કે બહુત હુઆ નારી પર વાર, અબકી બાર મોદી સરકાર, કહાં ગઈ સરકાર, કહાં ગયા નારા ? તેમણે કહ્યું કે પૂરેપૂરી સરકાર તો આરોપીઓને બચાવવા ઊભી છે. મહિલાઓ મરે કે જીવે એનાથી એમને કોઈ ફરક પડતો નથી.
ઉન્નાવમાં એક દીકરી પોતાની આબરૂ ખોઈને ન્યાય માટે લડી રહી છે અને કોઈ કહે છે કે પુરાવા નથી અરે એનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે એક બાપ પોતાની દીકરી માટે ન્યાય માગવા ગયો તો તેને જેલમાં બંધ કરી દેવામાં આવ્યો. આપણા દેશમાં મહિલાઓની કોઈ કદર નથી. તેમણે કહ્યું કે ન્યાય માંગવા જઈએ છીએ તો ૧૦ કાયદા શીખવાડવામાં આવે છે કે કાયદા મુજબ સજા થશે. માનવાધિકારનું હનન થઈ રહ્યું છે. આજે આરોપીઓને ખુલ્લેઆમ બચાવવામાં આવી રહ્યા છે તો શું એ માનવાધિકારનું હનન નથી ? જે કિશોરીનું કઠુઆમાં રેપ-હત્યા થઈ તે દેશની ‘બેટી’ નહોતી. ઉન્નાવમાં પુરૂષ જે પોતાની દીકરીના અસમત લૂંટાઈ જવા પર ન્યાય માંગવા ગયો તે દેશનો માણસ નહોતો ? તેમણે કહ્યું કે જો બંધારણમાં સજાની જોગવાઈ છે તો તમામ આરોપીઓને સજા મળવી જોઈએ નહીંતર બંધારણને જ ખતમ કરી દેવો જોઈએ જેની સરકાર છે એનું જ રાજ છે તો પછી એની મરજી મુજબ જ કરે. તેમણે કહ્યું કે અત્યારસુધી તો પીડિતાના પરિવાર ન્યાય માટે ધરણા પર બેસી શકતા હતા પરંતુ હવે ધરણા પર બેસનારને જેલમાં પૂરી મારી દેવાનું કહેવામાં આવ્યું છે. હવે તો એ પણ આશા નથી કે આરોપીની ધરપકડ થશે, જેલ જશે કે તેને સજા મળશે.