(એજન્સી) તા.૧૨
જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મુસ્લિમ ગુજ્જર-બકરવાલ સમુદાયની ૮ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાની દુર્ભાગી ઘટનાએ હવે તોફાની વળાંક લઇને રાજ્યને કોમવાદી ધોરણે વિભાજિત કર્યુ છે. ૯ એપ્રિલે કઠુઆના વકીલોએ આ કેસના સંદર્ભમાં અદાલતમાં જમ્મુ-કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાંચને ચાર્જશીટ દાખલ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જમ્મુ બાર એસોસિએશને આ મામલે ૧૧ એપ્રિલના રોજ બંધનું પણ એલાન આપ્યું હતું પરંતુ આ બંને ઘટનાઓ ભયાનક છે અને તે અસંવેદનશીલતા દર્શાવે છે.
૧૭ જાન્યુ.ના રોજ ૮ વર્ષની એક બાળકીનો છિન્નભિન્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગુજ્જર સમુદાયે વિરોધ કરતા આ કેસ ક્રાઇમ બ્રાંચને સાેંપવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે બે સ્પેશિયલ પોલીસ અધિકારીની ધરપકડ કરી હતી જેમાંના એકની હત્યામાં સીધી સંડોવણી હતી. જ્યારથી આ કેસ ક્રાઇમ બ્રાંચને હવાલે કરાયો હતો ત્યારથી સ્થાનિક હિંદુત્વ જૂથો અને રાજકીય પક્ષોએ તેના પર કોમી કાર્ડ ખેલવાનું શરુ કર્યુ હતું અને આ રીતે આરોપીનો બચાવ કરવા માટે ૨૩ જાન્યુ.ના રોજ હિંદુ એકતા મંચની રચના કરવામાં આવી હતી.
તેના સભ્યોને આ અપરાધ એ હિંદુ વિરુદ્ધ મુસ્લિમોનો મામલો છે એવું છડેચોક જાહેર કરવામાં સહેજપણ ખચકાટ ન હતો. એટલે સુધી કે તેમણે આરોપીઓની મુક્તિની માગણીના સમર્થનમાં રેલીઓ પણ કાઢી હતી. આમ કઠુઆ કેસ બળાત્કારના કોમવાદીકરણનો એક સંપૂર્ણ દાખલો બેસાડે એવી ઘટના છે. કેટલીક મહિલાઓએ તો આ કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરવાની માગણીના સમર્થનમાં અનશન પણ કર્યા હતા. હવે એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે કહેવાતા બળાત્કારીઓના સમર્થનમાં આંદોલનમાં રહેલું મુખ્ય પરિબળ રાજ્ય પોલીસમાં વિશ્વાસ અંગે નથી પરંતુ સ્પર્ધાત્મક મતપેટીના રાજકારણનું પરિબળ જવાબદાર છે. આ પરિબળે રાજ્યના રાજકારણીઓને આરોપી બળાત્કારીનો જાહેરમાં બચાવ કરવા માટે પ્રેરીત કર્યા છે. સીબીઆઇ તપાસની માગણીને કેન્દ્ર સરકારનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. ઉધમપુર લોકસભા બેઠકના સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે જો લોકોને પોલીસ કે ક્રાઇમ બ્રાંચની તપાસમાં વિશ્વાસ ન હોય તો આ કેસ સીબીઆઇને સોંપવો જોઇએ.