જૂનાગઢ, તા.૧૬
જમ્મુ-કાશ્મીરમાં માત્ર ૮ વર્ષની માસુમ બાળા ઉપર દુષ્કર્મ કર્યા બાદ તેની કરપીણ હત્યા કરી દેવાના અંતર્ગત જઘન્ય ધારાસભ્ય વિરોધમાં સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ગતરોજ જૂનાગઢમાં આ બનાવના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી ૮ વર્ષીય બાળાના આત્માની શાંતિ અર્થે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેજ સ વઘાસીયા અને દર્શન રાદડિયાની આગેવાનીમાં ઝાંસીની રાણીના પૂતળાથી શહીદ સ્મારક સુધી યોજાયેલ કેન્ડલ માર્ચમાં હિન્દુ-મુસ્લિમ તમામ જ્ઞાતિના લોકો જોડાયા હતા. આ રેલીમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી, સામાજિક આગેવાન સુરેશભાઈ વેકરીયા, જાણીતા ઉદ્યોગપતિ વિનુભાઈ અમીપરા, ગોપાલભાઈ ઈટાળીયા, હુસેનભાઈ હાલા અશરફભાઈ સહિતના આગેવાનો પણ જોડાયા હતા. હજ્જારોની સંખ્યામાં કેન્ડલ માર્ચમાં જોડાયેલા લોકોએ માસુમ બાળકી આસિફાના આત્માની આસિફા માટે પ્રાર્થના કરી હતી. સાથો સાથ આ દુષ્કર્મ, હત્યા કરનાર નરાધમને પણ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. કેન્ડલ માર્ચમાં સ્વયંભૂ લોકો જોડાયા હતા અને નરાધમ શખ્સો સામે તીવ્ર ફિટકાર વરસાવ્યો હતો. સમાજમાં આવા નરાધમોને નશારૂપ સજા કરવી જોઈએ કે જેથી અન્ય લોકો આવું કૃત્ય કરવાની હિંમત ન કરે તેવી પણ લોકો રોષભેર માંગ કરી હતી. લોકોના ચહેરા ઉપર આ ઘટનાને લઈને તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો. સરકારે હવે આવા કાર્યો કરનાર માટે કડક કાયદા બનાવવાની જરૂર છે અને આવા શખ્સોને ફાંસીને માંચડે લટકાવી દેવા જોઈએ તેમ પણ લોકોએ રોષભેર જણાવ્યું હતું. સરકારની ઢીલી નીતિ અને પોલીસની ઢીલી કામગીરીથી આવા નરાધમો બેકાબુ બન્યા છે ત્યારે હવે આવા શખ્સોને કડકમાં કડક સજા આપવાનો સમય પાકી ગયો છે. તેમ લોકોએ લાગણી વ્યકત કરી હતી.