(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની નિર્દોષ બાળા આસિફા પર પાશવી રીતે સામુુહિક બળાત્કાર અને ત્યાર પછી ક્રૂર રીતે તેની હત્યા કરવાનો કેસ પંજાબના પઠાણકોટમાં ટ્રાન્સફર કરવાની પીડિતાના વકીલની અરજ સોમવારે સુપ્રીમકોર્ટ સ્વીકારી લીધી હોવાથી હવે આ કેસ પઠાણકોર્ટ ટ્રાન્સફર થઇ ગયો છે. સુપ્રીમકોર્ટે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો પણ ઇનકાર કરી દીધો હોવાથી ભાજપને ભારે ફટકો પડ્યો છે. કોર્ટે અવું પણ જણાવ્યું કે કઠુઆ કેસની સુનાવણી બંધબારણે થવી જોઇએ. કોર્ટે કઠુઆ મામલામાં કોઇ પણ પ્રકારનો વિલંબ ટાળવા માટે દરરોજ ફાસ્ટ ટ્રેક સુનાવણી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમકોર્ટેના આ નિર્દેશનો એનો અર્થ થાય છે કે સુનાવણી મોકૂફ રાખવામાં આવશે નહીં. કઠુઆ કેસની સુનાવણી પઠાણકોટ જિલ્લા જજ કરશે અને સુપ્રીમકોર્ટ ખાટલા પર નજર રાખશે. સુપ્રીમકોર્ટ કઠુઆ ગેંગરેપ અને હત્યાના મામલામાં સુનાવણી પર મુકાયેલો સ્ટે પણ ઉઠાવી લીધો છે. કોર્ટે એવું પણ જણાવ્યું કે આ કેસ તેની પાસે છે અને અન્ય કોઇ કોર્ટ તેના સંદર્ભમાં આદેશ આપશે નહીં. આ કેસમાં પીડિતાના પરિવારવાળાઓ અને તેમનો કેસ લડી રહેલા વકીલની સુરક્ષા યથાવત રહેશે. સુપ્રીમકોર્ટે જમ્મુ અને કાશ્મીર સરકારને સરકારી વકીલ નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. આ કેસમાં પીડિતાના પરિવાર, તેમના વકીલ અને કેસના સાક્ષીઓની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારે આપવામાં આવી છે. સુપ્રીમકોર્ટ એવું પણ જણાવ્યું કે કેસનો ખટલો જમ્મુ અને કાશ્મીરમાં લાગુ રણબીર પીનલ કોડની જોગવાઇઓ મુજબ ચાલશે. ખટલો આરોપીઓ અને પીડિતાના પરિવાર બંને માટે નિષ્પક્ષ રીતે ચલાવવો જોઇએ. કેસની સુનાવણી ચંદીગઢ ટ્રાન્સફર કરવા અંગે દાખલ કરાયેલી પીડિતાના પિતાની અરજી અને મામલાની તપાસની જવાબદારી સીબીઆઇને સોંપવાના આગ્રહ અંગે દાખલ કરાયેલી આરોપીઓની અરજી પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી બેંચે સુનાવણી કરી હતી. બેંચના અન્ય ન્યાયમૂર્તિઓમાં ધનંજય વાય. ચંદ્રચુડ અને ઇન્દુ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. બેંચે પઠાણકોટ કોર્ટ માટે આ મામલામાં ઉર્દૂમાં નોંધાયેલા નિવેદનોનો અંગ્રેજીમાં અનુવાદ કરાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. અગાઉ, બેંચે આ કેસની સુનાવણી ૭મી મે સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમકોર્ટના આદેશના મહત્વના મુદ્દા
• કેસ પઠાણકોટ ટ્રાન્સફર કરાયો
• સુપ્રીમકોર્ટે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો પણ ઇનકાર કરી દીધો
• કોઇ પણ પ્રકારનો વિલંબ ટાળવા માટે દરરોજ ફાસ્ટ ટ્રેક સુનાવણી કરવાનો પણ નિર્દેશ આપ્યો
• કેસની સુનાવણી બંધ બારણે થશે
• મામલામાં સુનાવણી પર મુકાયેલો સ્ટે પણ ઉઠાવી લીધો
• આ કેસ તેની પાસે છે અને અન્ય કોઇ કોર્ટ તેના સંદર્ભમાં આદેશ આપશે નહીં
• પીડિતાના પરિવારવાળાઓ અને તેમનો કેસ લડી રહેલા વકીલની સુરક્ષા યથાવત રહેશે
• કેસનો ખટલો જમ્મુ અને કાશ્મીરમાં લાગુ રણબીર પીનલ કોડની જોગવાઇઓ મુજબ ચાલશે
• ખટલો આરોપીઓ અને પીડિતાના પરિવાર બંને માટે નિષ્પક્ષ રીતે ચલાવવો જોઇઅ
• જમ્મુ અને કાશ્મીર સરકારને સરકારી વકીલ નિયુક્ત કરવાની મંજૂરી અપાઇ
• સુપ્રીમકોર્ટ ખાટલા પર નજર રાખશે

પોલીસ પર ભરોસો રાખો, CBI તપાસની કોઇ જરુર નથી : મહેબૂબા

(એજન્સી) જમ્મુ, તા. ૭
કઠુઆના ગેંગરેપ અને હત્યાના કેસમાં સુપ્રીમકોર્ટના આદેશનું સ્વાગત કરતા જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે સુપ્રીમકોર્ટના આદેશથી જમ્મુ અને કાશ્મીર પોલીસનું નૈતિક બળ મજબૂત થશે. તેમણે જણાવ્યું કે પોલીસ પર ભરોસો રાખો. આ કેસમાં ખેરખર સીબીઆઇ તપાસની કોઇ જરુર નથી. તેમણે એવું પણ જણાવ્યું કે જો તમે જમ્મુ અને કાશ્મીર પોલીસ પર ભરોસો નહીં કરો તો રાજ્યમાં વિશ્વાસ કરવા લાયક અન્ય કોઇ પણ નથી. ક્રાઇમ બ્રાંચની ટીમના અધિકારીઓના ધર્મ અને પ્રદેશ વિશે પ્રશ્ન કરવાની બાબત ખતરનાક અને શરમજનક છે. તપાસ વિશે પ્રશ્ન કરનારાઓ સ્થાપિત હિતો ધરાવે છે અને તેઓ અપરાધીઓને બચાવવા માગે છે. રાજ્યમાં મુફ્તીની પીડીપીના ભાગીદાર ભાજપે સીબીઆઇ તપાસની માગણીને સમર્થન આપ્યું હતું. ભાજપના રાજ્ય એકમે પોલીસ તપાસ સામે પ્રશ્ન કરતો વીડિયો જારી કર્યો છે. હિન્દુ એક મંચ અને કઠુઆ બાર એસોસિએશને સીબીઆઇ તપાસની માગણી કરી હતી. આ બાબતે બે આરોપીઓ દ્વારા સુપ્રીમકોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી. તેમણે એવો પ્રશ્ન કર્યો કે મારો એવો પ્રશ્ન છે કે આ કેસના આરોપીઓ શા માટે હતાશાપૂર્વક સીબીઆઇ તપાસની માગણી કરી રહ્યા છે.