(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ૮ વર્ષની સગીર માસુમ બાળકી સાથે થયેલા ગેંગરેપ અને હત્યા કેસમાં પીડિતાની વકીલ દિપીકાસિંહ રાજાવતે હિન્દી સમાચાર ચેનલ ઝી ન્યૂઝને કાયદાકીય નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર, તેમણે આ નોટિસ કઠુઆ ગેંગરેપ- હત્યા કેસમાં કથિત રૂપે તેમની વિરૂદ્ધ ખોટા તથ્યોના આધારે ખોટા સમાચાર ચલાવવા મુદ્દે મોકલી છે.
હકીકતમાં સોમવારે (૧૬ એપ્રિલ) રાત્રે ઝી ન્યૂઝના સંપાદક સુધીર ચૌધરીએ પોતાના કાર્યક્રમ ડી.એન.એ.માં કઠુઆ ગેંગરેપ અને હત્યાની સંપૂર્ણ હકીકતનો દાવો કરતાં તેમણે પીડિતાની વકીલ દિપિકાસિંહ રાજાવત પર કેટલાક અંગત આરોપ મૂક્યા અને તેમને જે.એન.યુ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું.
આ રિપોર્ટથી નારાજ થયેલા દિપીકાએ પોતાના વકીલ દ્વારા ૧૮ એપ્રિલના રોજ ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધી ચૌધરીના નામે કાયદાકીય નોટિસ મોકલી દીધી છે. રિપોર્ટ અનુસાર, નોટિસમાં લખાયું છે કે, ઝી ન્યૂઝના કાર્યક્રમ ડી.એન.એ.ના દાવા મારી અસીલને બદનામ કરવાના હેતુથી કરવામાં આવ્યા હતા. ચેનલ જાણી જોઈને કેસનું સાંપ્રદાયિકરણ કરી રહ્યું છે. નોટિસમાં કાર્યક્રમના વીડિયોને દૂર કરવાની અને ચેનલ પાસે ઓન એર માફી માંગવાની માગણી કરવામાં આવી છે.