(એજન્સી) તા.૭
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જે આઠ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી તેની માતાનું કહેવું છે કે કાં તો આરોપીઓને ફાંસી આપવામાં આવે અથવા અમને ગોળી મારી દેવામાં આવે. એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતાં પીડિતાની માતાએ કહ્યું જો તેઓ છૂટી ગયા તો અમને મારી નાખશે. ચાર ગામોના લોકો અમારી જાનની પાછળ પડ્યાં છે. અમે ફક્ત ચાર વ્યક્તિઓ છીએ બધુ ચાલ્યુ ગયું. અમારી સમગ્ર સંપત્તિ જતી રહી. પીડિતાના પિતાએ સુરક્ષાનો હવાલો આપતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આ કેસને જમ્મુ-કાશ્મીરની બહાર સ્થળાંતરિત કરી દેવો જોઈએ. પીડિતાના પિતાએ કહ્યું હતું કે જમ્મુની સ્થિતિ અને આ બાબત ધ્યાનમાં રાખીને કે કઠુઆમાં વકીલોએ વિરોધ કર્યો હતો અને ચાર્જશીટ આગળ વધવા ન દીધી હતી તેના પરથી અમને આશંકા છે કે અહીં શાંતિપૂર્વક સુનાવણી નહીં થાય. પીડિતાના માતા-પિતાએ આક્ષેપ કર્યો કે સ્થાનિક નેતાઓ તેમના પણ દબાણ કરી રહ્યાં છે કે તેઓ સીબીઆઈ તપાસ માટે રાજી થાય કે જેથી આરોપીઓને બચાવી શકાય. પીડિતાની માતાએ ન્યુઝ ચેનલને આ પણ જણાવ્યું કે જો તેમની ફરિયાદ પર વહેલા પગલા લેવામાં આવ્યા હોત તો તેમની બાળકીને બચાવવી શક્ય હતી. પરંતુ પોલીસે સાત દિવસ સુધી રાહ જોઈ. જ્યારે પીડિતાની માતાને કહેવામાં આવ્યું કે મુખ્ય આરોપી સંજી રામે કોર્ટમાં કહ્યું કે તે નિર્દોષ છે અને તે બાળકીના દાદા સમાન હતો ત્યારે તેમણે રૂંધાયેલા સ્વરે કહ્યું “કોઈપણ નિર્દોષ નથી.”