(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
કઠુઆ બળાત્કાર હત્યા કેસમાં મીડિયાએ પીડિતાનું નામ જાહેર કરતા એમને નોટિસઓ મોકલાવવામાં આવી હતી. આજે મીડિયાએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ માફી માંગી હતી. કોર્ટે એમની ઉપર ૧૦ લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો. જે દંડની રકમ કાશ્મીર પીડિતોના વળતર ફંડમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો. મીડિયા ગૃહો તરફથી હાજર રહેલ વકીલોએ જણાવ્યું કે, એમને કાયદાની ખબર ન હતી અને વધુમાં પીડિતાનું મૃત્યુ થઈ જતાં અમને લાગ્યું કે, હવે નામ જાહેર કરી શકાય છે. એ પ્રકારની ભૂલના કારણે અમોએ પીડિતાનું નામ જાહેર કર્યું હતું. દિલ્હી હાઈકોર્ટની બેંચે નિર્દેશો આપ્યા કે દંડની રકમ રજિસ્ટ્રાર પાસે જમા કરાવવામાં આવે અને એ રકમ જમ્મુ-કાશ્મીર પીડિત વળતર યોજનાને આપવામાં આવે. બેંચે કહ્યું કે મીડિયાએ એ પ્રકારની જાહેરાતો કરવી જોઈએ કે જાતીય ગુનાની પીડિતાની ઓળખ કોઈ પણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થા, સમાચાર એજન્સીએ પ્રકાશિત પ્રસારિત કરવી નહીં. આમાં ભંગ બદલ બે વર્ષની સજા અથવા દંડ અથવા બન્ને ફટકારી શકાય છે. ૧૩મી એપ્રિલે કોર્ટે ૧ર મીડિયા ગૃહોને પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ નોટિસો મોકલાવી હતી. જેમાંથી ૯ મીડિયા ગૃહો તરફથી એમના વકીલો હાજર રહ્યા હતા. પીટીઆઈએ પોતાના સમાચારોમાં પીડિતાનું નામ જાહેર કર્યું ન હતું.

આ ૧ર મીડિયા ચેનલોની કોર્ટે ઝાટકણી કાઢી પ્રત્યેકને ૧૦-૧૦ લાખ રૂા. આપવા આદેશ કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
દિલ્હી હાઈકોર્ટે કઠુઆ ઘટનાની પીડિતાની ઓળખ જાહેર કરનાર ૧ર મીડિયા ગૃહો સામે કડક પગલાં લઈ પ્રત્યેકને ૧૦-૧૦ લાખ રૂપિયા દંડ ભરવા જણાવ્યું. આ મીડિયા ગૃહોમાં.
૧. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા
ર. ધ ઈન્ડિયન એક્ષપ્રેસ
૩. એન.ડી.ટી.વી.
૪. ધ હિન્દુ
પ. રિપબ્લિકન ટી.વી.
૬. ડેક્કન ક્રોનિકલ
૭. નવભારત ટાઈમ્સ
૮. ધ વીક
૯. ધ પાયોનિયર
૧૦. ધ ફર્સ્ટ પોસ્ટ
૧૧. ધ સ્ટેટસ્મેન
૧ર. ઈન્ડિયા ટીવી
આ સાથે ભારતીય પ્રેસ કાઉન્સિલે પણ મીડિયાને કહ્યું છે કે એ જાતીય ગુનાઓની ભોગ બનેલ પીડિતાઓ જેમાં બાળકીઓ પણ સામેલ છે. એમની ઓળખ છતી કરવામાં નહીં આવે. પીસીઆઈએ આ પ્રકારના નિર્દેશો દિલ્હી હાઈકોર્ટે પાઠવેલ નોટિસો પછી આવ્યા હતા. મીડિયા હાઉસોએ કઠુઆમાં ભોગ બનેલ બાળકીની ઓળખ છતી કરી હતી જેના પગલે હાઈકોર્ટે નોટિસો મોકલી હતી.