(એજન્સી) શ્રીનગર, તા.ર૩
જમ્મુમાં આઠ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના મામલા પર ઢાંકપિછોડો કરીને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) આ ઘટના મુદ્દે કોમી હિંસા ભડકાવવાનો પ્રયત્ન કરી રહી હોવાનો સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારૂક અને યાસીન મલિકના સંયુક્ત અલગતાવાદી નેતૃત્વએ આરોપ મૂકયો છે. અહેવાલ મુજબ સંયુક્ત અલગતાવાદી નેતૃત્વએ બીજેપી અને તેના ૭ વર્ષીય બાળકીના બળાત્કાર અને હત્યા પર પડદો પાડી દેવા માંગતો હોવાનો આરોપ મૂકતાં આરોપીઓને કડક સજાની માંગ કરી છે. જમ્મુમાં આ પરિસ્થિતિને ભાજપ અને તેના સમર્થકો કોમી રંગ આપવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ આરોપ મૂકયો હતો. હુર્રિયતના ચેરમેન ગિલાનીએ જણાવ્યું કે, પીડીપી અને બીજેપી જમ્મુ પ્રાંતમાં કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે જેને કારણે બીજેપીના સમર્થકો આરએસએસ અને હિન્દુ એકતા મંચ જમ્મુ અને કાશ્મીર પ્રાંતમાં કોમવાદનો રંગ આપી હિંસા ભડકાવવા પ્રયત્ન કરી રહ્યા હોવાનો ગિલાનીએ આક્ષેપ કર્યો છે. મીરવાઈઝે જણાવ્યું કે, સત્તારૂઢ પાર્ટીના સહાયક બીજેપી દ્વારા બળાત્કાર અને હત્યાના ઘૃણાસ્પદ મામલાઓમાં સંડોવાયેલ શખ્સને છાવરી રહી છે અને સત્તારૂઢ પાર્ટી તેની પર ઢાંકપિછોડો કરી રહી છે એથી વધુ દુઃખદ બાબત જમ્મુ કાશ્મીરના લોકો માટે શું હોઈ શકે ? અલગતાવાદી નેતાએ આ વિસ્તારમાં રહેતા લોકોને હિન્દુ એકતા મંચે ધમકી આપી હોવાનો પણ આરોપ મૂકયો છે. ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકો દ્વારા બળાત્કારી અને હત્યારાને છાવરવા અને બાળકીના સમુદાયને વિસ્તાર છોડી જવા માટે ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપતી એમાંથી વિશેષ ઘૃણાસ્પદ અને શરમજનક બીજું કશું નથી. એમ તેમણે જણાવ્યું હતું.