વિવિધ પ્રકારના અપરાધમાં સૌથી જઘન્ય અને ક્રૂર અપરાધ માસૂમ બાળા કે બાળકોની હત્યા કહેવાય છે અને તેનો સ્વીકાર ખુદ આગળ પડતા ખૂંખાર અપરાધીઓએ પણ કર્યો છે. ત્યારે અહીં તો માસૂમ બાળાની માત્ર હત્યા જ નથી કરાઈ પરંતુ તેની પર ક્રૂરતાની પરાકાષ્ઠા સર્જતા અને સમગ્ર માનવજાત કે માનવતાના જ જાણે એટોમિક બોમ્બના બ્લાસ્ટથી ફૂરચેફૂરચા ઉડાવી નાંખ્યા હોય તેવો જુલમ-સિતમ કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આટલી જઘન્ય ક્રૂર ઘટના બન્યા બાદ હદ તો ત્યાં થાય છે કે તેના આરોપીને પકડી નશ્યતરૂપ આકરી સજા કરવાને બદલે તેના બચાવમાં ખુદ મંત્રીઓ સહિતના કટ્ટર લોકો મેદાનમાં આવે છે અને આ બધુ થાય છે ધર્મના નામે કઠુઆ તથા ઉન્નાવની માસૂમ બાળાઓ પર ગેંગરેપની ઘટના સમગ્ર માનવજાતને હચમચાવી નાખવા માટે તથા દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તેનો પુનઃવિચાર શરૂ કરવા માટે પૂરતી છે. ત્યારે આ સમયે પણ શાસકોનું મૌન અને તેમની કાર્યનીતિ દેશના ભાવિ રાજકારણ સામે પ્રશ્નો ઊભા કરી રહેલ છે. ભોળી માસૂમ આસિફા અને નો શો વાંક હતો. તેમને અને તેમના સ્નેહીજનોને ન્યાય મળશે ? આવા પ્રશ્નો સાથે દેશભરમાં દેખાવો શરૂ થઈ જવા પામ્યા છે. તેને પગલે અમદાવાદ સહિત ગુજરાતમાં પણ દેખાવો થઈ રહેલ છે. અમદાવાદમાં ઓલ ઈન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન, અમદાવાદ વિમેન્સ એકશન ગ્રુપ (અવાજ), મજૂર મહાજન સંઘ, માનસી મહિલા સેવા સખી મંડળ, ગુજરાત મહિલા મંચ સહિતના વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ પ્રકારના સૂચક દેખાવો કરવામાં આવ્યા હતા.