(એજન્સી) તા.૧૯
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બુધવારે કહ્યું કે આપણા સમાજમાં કંઇક તો ખોટું થઇ રહ્યું છે. જ્યાં લોકો એ જ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની જ હત્યા કરી નાખે છે જેને દેવીનું સ્વરુપ માનવામાં આવે છે. કઠુઆમાં એક આઠ વર્ષની બાળકીનું અપહરણ, તેની સાથે સામૂહિક દુષ્કર્મ અને પછી તેની હત્યા કરી નાખવામાં આવે છે. આ ઘટના તરફ ઇશારો કરતાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કોઇ એક નાની બાળકી સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય કેવી રીતે કરી શકે છે ? જેને માતા વૈષ્ણોદેવીનું સ્વરુપ માનવામાં આવે છે. મહેબૂબા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે શ્રી માતા દેવી વૈષ્ણોદેવી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહને સંબોધી રહ્યાં હતાં. તમને જણાવી દઇએ કે બકરવાલ સમુદાયની આઠ વર્ષની બાળકીનું ૧૦ જાન્યુઆરીએ અપહરણ કરી લેવાયું હતુંં. એક અઠવાડિયા બાદ તેનું શબ જંગલમાં મળી આવ્યું હતુંં. તપાસમાં જાણ થઇ કે તેની સાથે આઠ લોકોએ અનેકવાર દુષ્કર્મ કર્યું હતુંં. કઠુઆ દુષ્કર્મની ઘટનાને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ એક ચેતવણી સમાન ગણાવી હતી અને દુઃખ પણ વ્યક્ત કયુર્ં હતુંં. તેમણે અહીં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કન્યા પૂજા કરવામાં આવે છે અને આ એક ધાર્મિક માન્યતા છે. જ્યાં નાની બાળકીને દુર્ગા માતાનું સ્વરુપ મનાય છે. તો પછી કોઇ આવી રીતે નાની બાળકી સાથે આવું કૃત્ય કેવી રીતે કરી જાય છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ ખરેખર તો સમાજને ગંદુ કરવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમે આપણી સિસ્ટમ અંગે વાત કરીએ છીએ તો અનુભવાય છે કે એક મોટું સંકટ તોળાઇ રહ્યું છે. ખાસ કરીને જ્યારે એક નાની બાળકી સાથે આવી ઘટના બને તો એ ચિંતાજનક બાબત છે. સમાજ પર ખતરો મંડરાઇ રહ્યો છે. આપણા બધાના જીવનમાં ખરેખર કંઇ ખોટું બની રહ્યું છે. આપણો વિકાસ ફક્ત મજાક બની ગયો છે. જો આપણે એક સારી વ્યક્તિ ના બની શકીએ તો પછી સમાજમાં રહેવું આપણા માટે અયોગ્ય છે.