નવી દિલ્હી, તા. ર૦
કઠુઆ સામૂહિક બળાત્કાર કેસમાં દિલ્હીની લેબોરેટરીમાં થયેલ ફોરેન્સિક ટેસ્ટ દ્વારા આરોપીઓ સામે સૌથી મજબૂત પુરાવાઓ સામે આવ્યા છે. ટેસ્ટ રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે બકરવાલ કોમની આઠ વર્ષીય બાળા સાથે સામૂહિક બળાત્કારની ઘટના જમ્મુના રસાના ગામમાં આવેલ મંદિરમાં જ થઈ હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે બાળકીને નશીલી દવાઓ આપી હોવાની હકીકત ખરી હતી. આ રિપોર્ટ પછી આરોપીઓ સામે પોલીસ પાસે હવે મજબૂત પુરાવાઓ આવતા કેસ મજબૂત થયો છે. દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી જમ્મુ-કાશ્મીર પોલીસ રિપોર્ટ લઈ કોર્ટમાં જશે.
મળતા અહેવાલો મુજબ ઘટના સ્થળેથી ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરેલ વાળોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પીડિત બાળાના ડીએનએ સાથે મળી આવ્યો હતો. બાળકીને આરોપીઓએ ક્લોના ઝેપમ નામની દવા આપી. આ દવા એવા દર્દીઓને આપવામાં આવે જેમને તમ્મર આવવાની બીમારી હોય છે. પીડિતાના શરીરમાંથી વધુ પડતી દવા મળી આવી હતી જે દર્શાવે છે કે આરોપીઓએ એને આ દવા મોટા પ્રમાણમાં આપી હતી.
ઘટના સ્થળ ઉપરથી ભીની અને સૂકી માટીના સેમ્પલોમાંથી જે લોહી મળ્યું હતું એ પીડિતાના લોહી સાથે મળી આવ્યું છે. માટીમાંથી મળેલ વાળના અવશેષો પણ આરોપી શુભમ સાંગરાના ડીએનએ સાથે મળી આવ્યા છે. શુભમ કઠુઆ ગેંગરેપનો મુખ્ય આરોપી સાંઝીરામનો ભાણિયો છે. આ ઘટનામાં સાંઝીરામનો પુત્ર પણ સામેલ હતો. નોંધનીય છે કે આ પહેલા પીડિતાના કપડા જ્યારે ફોરેન્સિક લેબમાં મોકલાયા હતા ત્યારે એના ઉપર લોહીના નિશાન મળ્યા ન હતા. જેથી એસઆઈટી માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. ચાર્જશીટમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ પુરાવાઓનો નાશ કરવાના ઉદ્દેશ્યથી પીડિતાના કપડા ધોઈ નાખ્યા હતા. આ પછી પોલીસે ગૃહમંત્રાલય પાસેથી મદદ માંગી દિલ્હીની ફોરેન્સીક લેબમાંથી તપાસની માગણી કરાઈ હતી.
૧૦મી જાન્યુઆરીએ બકરવાલા સમુદાયના કુટુંબની આઠ વર્ષની બાળકી આસ્કિમક રીતે ગુમ થયાનો રિપોર્ટ પોલીસમાં નોંધાયો હતો. ચાર્જશીટ મુજબ આરોપીઓએ ઘોડા શોધવા માટે મદદ કરવાના બહાને બાળકીનું અપહરણ કર્યું. બાળકીને મંદિરમાં બંધક બનાવાઈ એને બેભાન રાખવા માટે નશીલી દવાઓ આપવામાં આવી. ૧૭મી જાન્યુઆરીએ ઝાડીઓ વચ્ચે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મેડિકલ તપાસમાં ગેંગરેપની પુષ્ટિ થઈ હતી. બાળકીનું અપહરણ કરી એની સાથે દુષ્કર્મ કર્યા પછી એની હત્યાના મામલામાં મુખ્ય આરોપી સાંઝીરામ સમેત ૮ વ્યક્તિઓને આરોપી બનાવી ધરપકડ કરવામાં આવી.