(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા.ર૪
કડીમાં ગત મોડી રાત્રે પોતાની કારમાં જઈ રહેલા યુવાન ઉપર સાત વ્યક્તિઓએ આંતરીને જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં શહેરના તીનબત્તી ચોકમાં ફેંકી દેવામાં આવ્યો હતો. સારવાર માટે અમદાવાદ લઈ જવાયેલા યુવાનનું આજે મોત થતાં કડીમાં તંગદિલી છવાઈ ગઈ હતી. જેના પગલે કસ્બા વિસ્તારમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ ઘટના અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ કડીમાં જુમ્મા મસ્જિદ નજીક રહેતા શરીફખાન નાસીરખાન ઘોરી સોમવારની મોડી રાતે જાસલપુર રોડથી કડી તરફ પોતાની કારમાં આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં ઈરફાન ઉર્ફે ગીરી મલેક, અલ્ફાજ કાજી, અરબાજ મલેક, તોફીક દોલાણી, રઉફ દોલાણી, અશરફ ઘાંચી અને રમીજ ઘાંચીએ પોતાની ગાડીથી કારને ટક્કર મારી હતી. જેમાં કારમાંથી નીચે ઉતરતા શરીફ ઘોરી ઉપર તેમણે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા શરીફને બેભાન અવસ્થામાં ત્યાંથી ઉપાડીને કડીમાં આવેલા ભરચક વિસ્તાર એવા તીનબત્તી ચોકમાં લઈ જઈ ફેંકી દીધો હતો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેની જાણ થતાં ઈજાગ્રસ્ત શરીફખાનને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મંગળવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે કડીના કસ્બા વિસ્તારમાં ભારે તંગદિલી છવાઈ ગઈ હતી. જ્યારે મહેસાણાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયા, એલસીબી પીઆઈ એસ.એસ. નિનામા સહિતનો પોલીસ કાફલો કડી દોડી આવ્યો હતો. ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કસ્બા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. નોંધપાત્ર છે કે, છેલ્લા ઘણા સમયથી કડીના કસ્બા વિસ્તારમાં બે જૂથો વચ્ચે અદાવત ચાલી રહી હતી. જેના કારણે આ ઘટના સર્જાઈ હોવાનું અનુમાન છે. વળી આ અંગે કડી પોલીસ મથકમાં અલ્તાફ અયુબમિયાં શેખે નોંધાવેલ ફરિયાદ પ્રમાણે શરીફખાને અગાઉ કરેલા પ્રેમલગ્નની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.