(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
કોરોનાની મહામારી પ્રવર્તમાન સ્થિતિમાં સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નિયમોના કડક પાલન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાન પણ કોરોના મુદ્દે ગાઈડલાઈનનો કડક અમલ કરવાની શીખ આપી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ભાજપના જ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોના અમલની ઐસીતૈસી કરી રહ્યા છે. તેમાં પણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારમાં તો ડિસ્ટન્સિંગ સહિતના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી પોતે પણ આજે એક કાર્યક્રમમાં માસ્ક ઉતારીને સંબોધન કરતા જોવા મળતા ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. મહેસાણાના કડી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે રૂા.પ૭૦ લાખના ખર્ચે નિર્માણ થનાર મલ્ટીપર્પઝ ઈન્ડોર હોલનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની શિસ્તતા હતી. જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંચ પરથી બે-એક મિનિટ બોલીને તેમના મોઢા પરના માસ્કને ઉતારી દીધો હતો. માસ્ક ઉતાર્યા બાદ તેઓ ૩પ મિનિટ જેટલા સમય સુધી બોલ્યા હતા. નીતિન પટેલ પણ વડાપ્રધાનના કોરોના હજુ ગયો નથી એ વાતને ભૂલી ગયા હોય તેવી સ્થિતિ આજે તેમના આ વર્તનથી જણાઈ આવતી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રમતગમતમાં નિપુણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઊભી કરાઈ છે. ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળવી જોઈએ જે દિશામાં સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. ફીટ રહેવા માટે રમતને જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. યુવાનો રમત ગમતથી પ્રોત્સાહિત થાય તે જરૂરી છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા, કડી અને વડનગર ખાતે આ પ્રકારના સ્પોટ્‌ર્સ સંકુલ નિર્માણ પામી રહ્યા છે જેનો લાભ જિલ્લાના રમતવીરોને મળનાર છે. કડીમાં ભાષણ આપતી વખતે ગણતરીની મિનિટ બાદ ના.મુખ્યમંત્રીએ મોઢા પરથી માસ્ક ઉતાર્યું હતું.