(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
કડોદરા ખાતે આવેલ જેસલ મિલની સામે હાઈવે નંબર ૬ પર સાઈકલ સવાર આધેડને ગતરોજ મોટરસાઈકલ ચાલકે ટક્કર મારતા સાઈકલ સવાર ઈજાગ્રસ્ત આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા ગોકુલનગર જેસલ મિલની પાસે સગ્રામભાઈની બિલ્ડિંગમાં રૂમ નં.૧૧૨મા રહેતા સુરેન્દ્રભાઈ (ઉ.વ.૪૯) નામના આધેડ તાતીથૈયા ખાતે આવેલ જગદંબા મિલમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત તા.૨૪ના રોજ રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં જગદંબા મિલમાંથી નોકરી પૂરી કરી સાઈકલ લઈ જેસલ મિલની સામેથી જતા કડોદરાથી બારડોલી જતા હાઈવે નં.૬ ઉપર આવેલ, ત્યારે પાછળથી આવેલ એક અજાણ્યા મોટરસાઈકલ ચાલકે મારી સાઈકલને ટક્કર મારતા રોડ પર પડી ગયેલ પેટના ભાગે તથા બંને પગે તેમજ હાથે ઈજાગ્રસ્ત થયો હતો. પેટના ભાગે દુઃખાવો થતા કડોદરા ખાતે આવેલ દેવાશી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જ્યાં વધુ તબિયત લથડતા સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગેની જાણ થતા કડોદરા પોલીસે અજાણ્યા મોટરસાઈકલ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.