(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
સુરત જિલ્લાના કડોદરા હાઇવે પર ટ્રક અને બાઈકની વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ટ્રકની અડફેટે આવેલ બાઈક સવાર પિતા અને બે પુત્રો પૈકી એક પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પિતાને સામાન્ય ઈજા થઇ હતી. આ ઘટનામાં બીજા પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો.
રાજસ્થાનના ઉદયપુરના વતની મોહનસિંગ પરમાર શુક્રવારની રાત્રે બે પુત્રોને જીજે-૫-ઇડબલ્યુ-૪૬૧૨ નંબરની બાઇક પર લઈ ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે જીજે-૧૫-ઝેડ-૧૧૬૧ નંબરના કાળમુખી ટ્રકની અડફેટે આવી ગયાં હતાં. મધરાત્રે થયેલા આ અકસ્માત બાદ બે પુત્રો અને પિતાને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જ્યાં પાંચ વર્ષના પ્રવીણને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે અકસ્માતમાં પિતાને સામાન્ય ઇજા અને બીજા પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. મોહનસિંગ રાજસ્થાન ઉદયપૂરના રહેવાસી અને કાપડ માર્કેટમાં સાડી કટિંગના કામ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. પ્રવીણની ઉંમર ૫ વર્ષ છે અને જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. તેનું મોત નીપજ્યું હતું જ્યારે ૪ વર્ષીય પુત્ર દિનેશનો ચમત્કારિક બચાવ થયો છે.