નડિયાદ, તા.૪
નડિયાદ તાલુકાના કણજરી ગામમાં ઝારખંડના તબલીગી જમાતના ર૧ જણા આવ્યા હોવાની જાણ ખુદ કણજરીના મુસ્લિમ અગ્રણીઓએ ચકલાસી પોલીસને કરી હોવાનું એસઆઈબી. ચકલાસી દ્વારા જાણવા મળે છે. અખબારમાં મુદ્દો ખોટી રીતે ચગાવતા ખોટી અફવા ફેલાઈ હતી.
નડિયાદ તાલુકાના કણજરીના કેટલાક લોકો દિલ્હી મરકઝમા હોવાની અફવા વચ્ચે પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દોડતું થયું છે. જો કે કણજરીના દિલ્હીમાં એકપણ સભ્ય ન હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. કણજરીમાં ઝારખંડની ર૧ સભ્યોની જમાત હાલમાં ગત ત્રણ માર્ચથી હોવાનું ખુદ મુસ્લિમ અગ્રણીઓએ સામે ચાલીને ચકલાસી પોલીસને જાણ કરી હતી ત્યાંથી જિલ્લા કલેકટરને જાણ કરાઈ હતી. આ બાબતને કેટલાક તત્ત્વોએ ખોટી દિશા આપી હતી અને ઝારખંડના તબલીગ જમાતના ર૧ સભ્યો પકડાયાની અફવા વહેતી કરી હતી. એટલું જ નહીં એક અખબારે આ મુદ્દાને ખોટી રીતે ચગાવી વાતાવરણ ડહોળવા પ્રયત્ન કર્યો હતો હોવાનું જાગૃત નાગરિકો કહે છે.ચકલાસી પોલીસ મથકના એસઆઈબી. વિભાગના જસભાઈએ જણાવ્યું હતું કે ઝારખંડની જમાત કણજરીમાં હોવાનું મુસ્લિમ અગ્રણીઓએ સામે ચાલીને પોલીસમાં જણાવ્યું હતું. બાદમાં વહીવટી તંત્રને જાણ કરાતા મેડિકલ ટીમે તેમની મેડિકલ તપાસ કરી છે. જો કે એક પણ સભ્યમાં તાવ, શરદી કે કોઈ બીમારી નથી.
કણજરીના મુસ્લિમ અગ્રણીઓના જણાવ્યા અનુસાર સમયાંતરે રાજ્ય તથા રાજ્ય બહારની જમાત આવે છે અને ભટકી ગયેલા મુસ્લિમોને સીધા રસ્તા પર લાવવાનું કામ કરે છે. જેથી ખરાબ સંગતમાંથી મુસ્લિમો દૂર થાય. તેમની પ્રવૃત્તિ જગજાહેર છે પરંતુ લોકડાઉનમાં આ જમાત અહીંયા ફસાઈ ગઈ છે. જેનો ખોટો અર્થ કાઢી ઘણા લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે. આવા સમયે એક થઈ કોરોના સામે લડવાના સમયે રાજકીય ઉલ્લું સીધા કરવાની પ્રવૃત્તિઓને ઘણા જાગૃત નાગરિકોએ પણ ખોટી ગણાવી છે.