(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
સુરત આયકર વિભાગ દ્વારા કતારગામની જનની એક્સપોર્ટ પર તપાસ કર્યા બાદ હવે જીએસટી વિભાગ પણ ત્યાં તપાસ કરશે તેવી શક્યતાઓ હોવાનું જાણવા મળે છે.
આ અંગે જીએસટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળેવી માહિતી મુજબ ડીઆઇ વિંગે કતારગામ અને મુંબઇમાં ઓફિસ ધરાવતા જનની એકસ્પોર્ટના સુરત અને મુંબઇના ઘર તેમજ ઓફિસ સહિત કુલ ૧૦ ઠેકાણે સર્ચની કાર્યવાહી કરી હતી. જેમાં વિભાગે ૪૦ કરોડ રૂપિયાના રિયલ એસ્ટેટમાં રોકાણ, ૧૦ કરોડ રૂપિયા જમીનમાં રોકાણના, ૩૦ કરોડ રૂપિયાની બે હિસાબી ખરીદ – વેચાણ તેમજ અન્ય દસ્તાવેજો મળી કુલ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની ટેક્સચોરીના દસ્તાવેજો મળી આવ્યા હતા. જીએસટી વિભાગને લાગે છે કે, જનની એકસપોર્ટના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી પણ કરવામાં આવી છે. જીએસટી વિભાગ દ્વારા આયકર વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી માંગી તેના આધારે કાર્યવાહી શરૂ કરશે. ઉલ્લેખનિય એ છે કે, આયકર વિભાગમાં બે મહિના પહેલા બિટકોઇન વિક્રેતાઓ પર તપાસ કરાવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી ૪૦૦થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, આ મામલામાં પણ જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.