(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
કતારગામ વિસ્તારમાં રહેતી અને ધો.૧૦માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિની સ્કૂલેથી છૂટીને ઘરે આવતા રસ્તામાં જયેશ ખોખરિયા સહિત ૩ નરાધમોએ કારમાં અપહરણ કરી ખેતરમાં બનાવેલા રૂમમાં ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપમાં મુખ્ય આરોપી જયેશ ઉર્ફે લાલો જાધવ ખોખરિયા સહિત છની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
કતારગામની સગીર વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાયરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલાં બન્યો હતો. જ્યારે ૩ દિવસ પહેલાં જયેશ ખોખરિયા તેના એક મિત્ર સાથે વિદ્યાર્થિનીનો હાથ પકડી જબરજસ્તી બાઈક પર બેસાડી અપહરણ કરવાની કોશિશ કરતા બૂમાબૂમ કરતા બંને રસ્તામાં છોડી ભાગી ગયા હતા. ગેંગરેપના ગુનામાં જયેશ ખોખરિયાને પોલીસ પકડી લાવતા વિદ્યાર્થિની પરિવારજનો તેમજ સમાજના લોકો મોડી સાંજે પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે પરિવાર અને સમાજના લોકોને કાર્યવાહી કરવાની હૈયાધરપત આપતા ત્યાંથી ગયા હતા. વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી ઉપરથી તેને બ્લેકમેલિંગ કરી તેનું અપહરણ કર્યું હતું. આથી વિદ્યાર્થિની પિતા અને ભાઈ જયેશ ખોખરિયાને મળવા માટે હાથી મંદિર પાસે ૩ દિવસ પહેલાં મોડીરાત્રે ગયા હતા. જ્યાં જયેશ ખોખરિયા, તેનો ભાઈ રાકેશ અને કાકાએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યા હતો. આ કેસમાં કતારગામ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પણ સોમવારે મોડીસાંજે જયેશ ખોખરિયાના ભાઈ રાકેશ ખોખરિયા અને તેના કાકા જીતુ ખોખરિયાની ધરપકડ કરી છે. કતારગામ આંબાતલાડીની હરીધામ સોસાયટીમાં રહેતો જયેશ ખોખરિયા એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરે છે. જયેશ ખોખરિયાની સાથે અન્ય બે મિત્રો સામેલ હતા. સાથે જ મદદગારી કરનારા પણ અન્ય ત્રણ હતા, એમ પોલીસે તમામ છ આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં રિમાન્ડ મેળવીને તપાસ કરી રહી છે જેમાં તેના બે મિત્રોના નામ, ઉપરાંત કાર કોની હતી. તેમજ વિદ્યાર્થિનીને કોના ખેતરમાં લઈ જઈ રેપ કર્યો આ તમામ પાસાઓને પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસ કરશે. ૨૧ વર્ષીય જયેશ ખોખરિયાના ૧૫ દિવસ પહેલાં લગ્ન થયા હતા.