(એજન્સી) દોહા, તા.૧૮
કતારે સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક ના પહેરનારને લઈ આકરી સજા લાગુ કરી દીધી છે. કતારમાં હવે માસ્ક નહીં પહેરવા પર દુનિયાની સૌથી મોટી સજા મળશે અને લોકોને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલી દેવાશે. તેની સાથો સાથ દંડની મોટી રકમ પણ ચૂકવવી પડશે.
કતારમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કતારમાં કોરોના વાયરસના સંક્રમણનો દર દુનિયામાં સૌથી વધુ થઈ ગયો છે. આ બધાની વચ્ચે વહીવટીતંત્રે નિયમ તોડનાર લોકો માટે કડક સજાની જાહેરાત કરી છે.
કતારની વસતી અંદાજે ૨૭ લાખ છે. જ્યારે અહીં ૩૦ હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં અહીં અંદાજે ૧૫ લોકોના કોરોનાંથી મોત થયા છે.
અહીં માસ્ક પહેરવાના નિયમને તોડનાર વ્યક્તિને ૪૧.૭ લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે. જો કે, પોતાની ગાડીમાં એકલા ડ્રાઈવ કરનારને માસ્ક પહેરવાની અનિવાર્યતામાંથી છૂટ આપવામાં આવી છે.
નવો નિયમ લાગુ થતાં પહેલાં પોલીસ લોકોને આ અંગેની માહિતી આપી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી દુનિયાના અંદાજે ૫૦ દેશોમાં માસ્ક પહેરવું જરૂરી કરી દીધું છે.
આફ્રિકન દેશ Chadમાં માસ્ક ના પહેરવા પર ૧૫ દિવસની જેલની સજા થઈ શકે છે, તો મોરક્કોમાં સાર્વજનિક જગ્યા પર માસ્ક ના પહેરવા પર ત્રણ મહિનાની જેલની સજા નક્કી કરાઈ છે.
કતારના અધિકારીઓનું માનવું છે કે, દેશમાં સંક્રમણ દર વધવા પાછળ રમઝાનના મહિનામાં લોકો ભેગા થવાનું કારણ હોઈ શકે છે. સાથે જમવા માટે લોકો રમઝાનના મહિનામાં એકત્રિત થાય છે.