(એજન્સી) તા.ર૬
કતારે ગુરૂવારે જાહેરાત કરી હતી કે તેણે યુએન અને યુએન સુરક્ષા પરિષદ (યુએનએસસી) બંનેને સુચિત કર્યું છે કે, ચાર બેહરીની ફાઈટર વિમાનોએ કતારના હવાઈ ક્ષેત્રમાં ૯મી ડિસેમ્બરે તેના પ્રાદેશિક જળ વિસ્તાર ઉપર ઉડાન ભરીને તેના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. સંયુકત રાષ્ટ્રના રાજદુત સમક્ષ કતારના કાયમી પ્રતિનિધિ આલ્યા અહેમદ બિન સૈફ-અલ-થાનીએ યુએનના મહાસચિવ એન્ટોનિઓ ગુટેરેઝ અને યુએનએસસીના વર્તમાન અધ્યક્ષ જેરી મટજિલાને પત્ર લખીને મોકલ્યો હતો જેમાં દોહા તરફથી કતાર દ્વારા ઉલ્લંઘન અંગેના સત્તાવાર સૂચનો સામેલ હતા, એમ સમાચાર એજન્સીનો અહેવાલ. તેમણે કહ્યું હતું કે બેહરીને નાકાબંધી અને દોહા વિરૂદ્ધ ગેરકાયદેસર પગલાઓમાં ભાગ લઈને ઉલ્લંઘનમાં ફાળો આપ્યો છે. અલ-થાનીએ જણાવ્યું હતું કે આ કોઈ પ્રથમ વખત નથી જયારે બેહરીની ફાઈટર વિમાનોએ કતારના હવાઈ ક્ષેત્રનો ભંગ કર્યો હોય. યુએનના મંડળને લખેલા પોતાના પત્રમાં કતારે જણાવ્યું છે કે આ ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન બેહરીનની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓની અવગણના દર્શાવે છે એવી રીતે જેને સહન ન કરી શકાય. દોહાએ બેહરીની સત્તાધીશોને આવા ઉશ્કેરણીજનક અને બિનજવાબદાર કૃત્યોનું પુરાવર્તન કરવાથી રોકાઈ જવા કહ્યું હતું અને યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય ન્યાયની કોર્ટ (આઈસીજે)ના ચુકાદા સાથે વળગી રહેવા કહ્યું હતું. કતારે યુએનને આવા ઉલ્લંઘનોનો અંત લાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા કહ્યું હતું જેથી આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક શાંતિ, સલામતી અને સ્થિરતા જળવાઈ રહે, એમ પત્ર મુજબ છે. પ જૂન ર૦૧૭થી સઉદી અરેબિયા, યુએઈ, બેહરીન અને ઈજિપ્તે કતાર પર જમીની, હવાઈ અને દરિયાઈ નાકાબંધી લાદી હતી, જેનું કારણ કતાર આતંકવાદને ટેકો આપે છે અને ઈરાન સાથે સંબંધો રાખે છે, એમ જણાવાયુ હતું. જો કે દોહા આ તમામ આરોપોને નકારી ચૂકયું છે.